વોશિંગ્ટન: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પરની બીબીસીની વિવાદાસ્પદ ડોકયુમેન્ટ્રી પર ભારતમાં ઓનલાઈન અને સોશ્યલ મીડીયા સહિતના પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકી દેવાતા પશ્ચીમી દેશોએ ભારતના આ નિર્ણયને આવકાર્યા છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રીતે એક વૈશ્વીક નેતા તરીકેની છાપ છે તેની સામે કાદવ ઉછાળવાના પ્રયાસ તરીકે પણ ગણાવ્યા છે.
બ્રિટનના વડાપ્રધાન શ્રી ઋષી સુનકે પણ મોદીની સાથે ઉભા રહેવાનું પસંદ કર્યુ છે તે વચ્ચે ગઈકાલે વોશિંગ્ટનમાં પાકિસ્તાનના એક પત્રકારે એક પત્રકાર પરિષદમાં આ ડોકયુમેન્ટ્રી અંગે પ્રશ્ન ઉઠાવવાની કોશિશ કરતા જ અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતાએ પાક પત્રકારની બોલતી જ બંધ કરી હતી. ભારત સરકારના આ પગલાનો ઉલ્લેખ કર્યા વગર જ અમેરિકી પ્રવકતા નેડ પ્રાઈસે આડકતરી ભાષામાં ભારત કે અમેરિકાને ‘લોકશાહી’ નહી શિખવવાનો આકરો જવાબ આપતા કહ્યું કે તમો જે ડોકયુમેન્ટ્રીની વાત કરી રહ્યા છે.
તેનાથી હું માહિતગાર નથી પણ ભારત અને અમેરિકાએ બે સંપન્ન અને લોકશાહી મુલ્યોના સંયુક્ત ભાગીદાર છે. તેઓએ વધુમાં જણાવ્યું કે એવા અનેક ક્ષેત્રો છે જયાં ભારત અને અમેરિકા એ વૈશ્વીક રણનીતિમાં પણ મજબૂત ભાગીદારી ધરાવે છે અને બન્ને દેશોના રાજનૈતિક આર્થિક અને અસાધારણ રીતે બન્ને દેશોના લોકો વચ્ચે પણ ગાઢ સંબંધો છે.