નવી દિલ્હી: 1998ના એક હુમલા કેસમાં હાલ એક વર્ષની જેલ સજા ભોગવી રહેલા પુર્વ ક્રિકેટર તથા પંજાબ કોંગ્રેસના પુર્વ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ હવે ગુરુવારે પ્રજાસતાક દિને બાકીની સજા માફી સાથે જેલમાંથી મુક્ત થઈ શકશે નહી. સિદ્ધુની મુક્તિ માટે જે અરજી થઈ છે તેના પર પંજાબ સરકારની કેબીનેટ બેઠકમાં મંજુરી અપાશે.
અગાઉ આ બેઠક 1 ફેબ્રુઆરીએ યોજાવાની હતી જે હવે તા.3 ફેબ્રુઆરીએ યોજાશે. અગાઉ પણ આ બેઠક મુલત્વી રહી હતી. એક તબકકે પ્રજાસતાક દિને નવજોતસિંહ સિદ્ધુ જેલ બહાર આવી જશે તેવો સંકેત હતો પણ હવે તા.3ની કેબીનેટ બેઠકમાં મંજુરી મળ્યા બાદ પણ તે ફાઈલ રાજયપાલને મંજુરી માટે મોકલાશે.
નવજોત સિદ્ધુની મુક્તિ માટે તેમના પત્ની નવજોત કૌર સિદ્ધુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળી આવ્યા હતા. એક તબકકે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં નવજોતસિંહ સિદ્ધુ સામેલ થવાના હતા પણ હવે તે પણ શકય બનશે નહી તેવા સંકેત છે.