સુરત તા.24 : દિલ્હીમાં કંઝાવાલા હીટ એન્ડ રનની ઘટનામાં હજુ પોલીસ તપાસ આગળ વધી રહી છે તે સમયે જ સુરતમાં બાઈક પર જઈ રહેલા એક દંપતિને કારચાલકે ટકકર માર્યા બાદ લગભગ 12 કી.મી. સુધી બાઈક ચાલકને ઢસડયો હતો અને તેનું બાદમાં બે દિવસ પછી ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલકની પત્ની પણ ઘાયલ થઈ હતી જેને સારવાર આપવામાં આવી રહી છે. 18 જાન્યુ.ના બનેલી ઘટનામાં સુરતના લીંબાયત નીલગીરી સર્કલ નજીક રહેતા 24 વર્ષના સાગર પાટીલ અને તેમના પત્ની અશ્વીની પાટીલ બહુમરા ગામથી સુરત તરફ આવી રહ્યા હતા તે સમયે તાંતીથયા પાસે એક કારચાલક પાછળથી બાઈકને ટકકર મારી હતી
જેમાં અકસ્માત બાદ યુવકના પત્ની બાઈક પરથી પડી ગયા પરંતુ સાગર પાટીલ અને તેનું બાઈક ગાડીમાં ફસાયા હતા. કારચાલકે લગભગ 12 કી.મી. સુધી આ અકસ્માતનો ભોગ બનેલ સાગરને ઢસડયો હતો અને બાદમાં તે કાર મુકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે કાર જપ્ત કર્યા બાદ અને મૃતકના પત્નીએ આપેલા નિવેદન પરથી કારચાલકની શોધખોળ ચાલુ કરી છે.