નવી દિલ્હી તા.24 : દેશના પાટનગર દિલ્હી તેમજ તેની સાથે જોડાયેલા એનસીઆર સહિત ઉતરભારતમાં આજે બપોરે ભૂકંપના તીવ્ર આંચકા નોંધાયા છે અને તેના કારણે લોકોમાં જબરો ગભરાટ ફેલાઈ ગયો હતો. આજે બપોરે 2.31 કલાકે દિલ્હી ઉપરાંત ઉતરપ્રદેશના કેટલાક વિસ્તારો, ઉતરાખંડ, બિહાર, ઝારખંડ તથા મધ્યપ્રદેશમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો
અને લગભગ પાંચ સેકન્ડ સુધી ભૂકંપની ધ્રુજારી લોકોએ અનુભવી હતી. પ્રાથમીક અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ છેક નેપાળ પાસે નોંધાયું છે અને ભૂકંપના કારણે હજુ જાનમાલને નુકશાની અંગે કોઈ રિપોર્ટ મળ્યા નથી પરંતુ ભૂકંપની જે વ્યાપકતા અને તીવ્રતા છે તે જોતા ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોને નુકશાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. અગાઉ 5 જાન્યુ. એ અફઘાનીસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો તેની અસર છેક દિલ્હી સુધી જોવા મળી હતી
જયારે આજે નેપાળ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાના અહેવાલબાદ સમગ્ર પ્લેટમાં જબરી હિલચાલ થઈ રહી હોય તેવા સંકેત છે. ભૂકંપ માપક કચેરીના જણાવ્યા મુજબ આ ભૂકંપનું ભૂમિબિંદૂ નેપાળની નજીક કાલીંદીમાં છે અને આ ભૂકંપના કારણે ઉતરાખંડમાં જોશીમઠની જમીન પણ ફરી એક વખત ધ્રુજી ઉઠી હતી. ઉતરાખંડમાં ગઢવાલ અને કુમાઉ બંનેમાં આંચકા નોંધાયા છે. દિલ્હી સહિતના વિસ્તારોમાં લોકો ભૂકંપના આંચકાને કારણે ઘર અને ઓફિસની બહાર નીકળી ગયા હતા. ઉતરપ્રદેશના પાટનગર લખનઉમાં પણ ભૂકંપની તીવ્રતા અનુભવાઈ હતી.