રાજકોટ,તા.24
હાલ રવિ સિઝન ચાલી રહી છે. ત્યારે શિયાળુ પાક માટે સૌરાષ્ટ્રભરમાં જુદા જુદા ડેમોમાંથી સિંચાઈનુ પાણી આપવામાં આવી રહ્યું છે અને અસંખ્ય ખેડુતોની હજારો હેકટર જમીનને કેનાલ મારફતે આ પાણીનો લાભ મળી રહ્યો છે.
ત્યારે, રાજકોટ સિંચાઈ વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર રાજકોટ શહેર ગોંડલ, જેતપુર, ધોરાજીને પીવાનું પાણી પુરૂ પાડતા, સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ડેમો પૈકીનાં એક ભાદર-1 ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા ખેડુતો માટે સિંચાઈનુ પાણી છોડવાનું શરૂ કરાયું છે.
આ સિંચાઈના પાણીનો ગોંડલ, જેતપુર, ધોરાજી અને જુનાગઢ તાલુકાનાં 46 ગામોની 25,500 હેકટર જમીનને લાભ મળી રહ્યો છે. આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગનાં સુત્રોમાંથી મળતી વધુ વિગતો અનુસાર ભાદર-1 માં આવતા જુલાઈ સુધી પીવાના પાણીનાં જથ્થાને અનામત રાખી ખેડુતોને રવિ સીઝનનુ સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે.
હાલમાં ભાદર-1 માંથી ઉપરોકત તાલુકાનાં ખેડુતોને ચોથુ પાણ સિંચાઈ માટે આપવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે ભાદર-1 ડેમમાંથી પ્રથમ અને બીજુ પાણ ગત નવેમ્બર-ડીસેમ્બરમાં અને ત્રીજુ પાણ ગત જાન્યુઆરીમાં અપાયુ હતું અને હવે ચોથા પાણનું પાણી અપાઈ રહ્યું છે. ભાદર-1 માંથી કુલ છ પાણ ખેડુતોને આપવામાં આવનાર છે.
મળતી વધુ વિગતો અનુસાર રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં ભાદર-1, ઉપરાંત ફોફળ-1, છાપરવાડી-2, સાંકરોલા અને આજી-2 ડેમમાંથી પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.