ભાવનગર તથા કંડલામાં આવકવેરા દરોડા: ત્રણ ઉદ્યોગગૃહો ઝપટે

24 January 2023 04:32 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર તથા કંડલામાં આવકવેરા દરોડા: ત્રણ ઉદ્યોગગૃહો ઝપટે
  • ભાવનગર તથા કંડલામાં આવકવેરા દરોડા: ત્રણ ઉદ્યોગગૃહો ઝપટે

અમદાવાદથી ટીમો ત્રાટકી: મોટી કરચોરી પકડાવાની આશંકા

રાજકોટ તા.24 : આવકવેરા વિભાગે કરચોરી પકડવા માટે દરોડા ઓપરેશન જારી રાખ્યા હોય તેમ કચ્છના કંડલા તથા ભાવનગરમાં જુદા-જુદા ત્રણ ઉદ્યોગકારો પર તવાઈ ઉતારવામાં આવી છે તેમાં મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

ભાવનગરમાં આજે સવારથી બે ઉદ્યોગકારોના અર્ધોડઝન સ્થળોને નિશાન બનાવીને દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માલવી મીકેનીક વર્કસ તથા પટેલ પ્લાસ્ટીકમાં અધિકફારીઓની ટીમો ત્રાટકી હતી. શિશુવિહાર, પ્રભુદાસ તળાવ, મોતી તળાવ, નવાપરા, વીઆઈપી કુંભારવાડા જેવા વિસ્તારોમાં પણ ઉદ્યોગકારોના સ્થળોએ તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગરમાં ઈન્કમટેકસ દરોડાની વાત ફેલાતા વેપાર-ઉદ્યોગકારોમાં ખળભળાટ સર્જાયો હતો. અમદાવાદ ઈન્કમટેકસ વીંગ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયુ હતું.

આ સિવાય કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પણ આવકવેરા વિભાગનો કાફલો ત્રાટકયો હતો.યુઝડ ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીમાં તવાઈ ઉતારવામાં આવી હતી. દરોડા વિશે સેઝ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. ટેકસચોરી માટે કંપની દ્વારા બીલનું અંડર વેલ્યુએશન કરાતુ હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યુ હતું.

ભાવનગર તથા કંડલા બન્ને સ્થળોએ આવકવેરા વિભાગનાં અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી, બેંક ખાતા વગેરેની તપાસ હાથ ધરવામાં આવી હતી.મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા છે. કેન્દ્રના સામાન્ય અંદાજપત્રને માંડ એક સપ્તાહ બાકી છે તેવા સમયે પણ ઈન્કમટેકસના દરોડા જારી રહેતા વેપાર-ઉદ્યોગકારો સ્તબ્ધ બન્યા છે. ગત સપ્તાહમાં પણ અમદાવાદ તથા કચ્છમાં દરોડા કાર્યવાહી કરવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement