જુનાગઢ તા.24 : જુનાગઢનાં ઝાંઝરડા સ્થિત ખેતલીયા દાદા આશ્રમના મહંત રાજભારતી બાપુએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજભારતીએ આજે વહેલી સવારે તેમના અન્ય આશ્રમ ખડીયા ખાતે રિવોલ્વરમાંથી લમણા પર ગોળી છોડીને આપઘાત કર્યો હતો.તેઓને ગંભીર હાલતમાં જુનાગઢ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. રાજભારતી બાપુનો એક વિડીયો અને ઓડિયો સવારે વાયરલ થયેલ. જેમાં તેઓ પ્રેમલાપના સંવાદ કરતા હોવાનું અને દારૂ પીતા હોવાનું જણાતું હતું. આ ઓડિયો અને વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થતા હડકંપ મચી ગયો હતો. રાજભારતી સવારે તેમના ઝાંઝરડા ખાતેના આશ્રમ પર જોવા મળેલ નહીં. પરંતુ જૂનાગઢ નજીકના ખડિયા ખાતે આવેલ પોતાના અન્ય એક આશ્રમમાં વહેલી સવારે રાજભારતીએ રિવોલ્વરમાંથી લમણા પર ગોળી છોડીને આપઘાત કરી લીધો હતો. તેમના આત્મઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી.
પરંતુ તેઓ ઓડિયો વિડીયો વાયરલ થતા ખિન્ન થયા હોય અને આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. સેવકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાંઝરડા આશ્રમના મહંત રામભારતી બાપુની 10 વર્ષ અગાઉ હત્યા થયેલ બાદમાં રાજભારતી આશ્રમનો વહીવટ-કારોબાર સંભાળતા હતા. પોલીસે આપઘાતના બનાવનું રહસ્ય ઉકેલવા વધુ તપાસ હાથ ધરી છે.