નવી દિલ્હી તા.24
કેન્દ્ર અને સુપ્રિમ કોર્ટ વચ્ચે ન્યાયમૂર્તિઓની નિયુક્તિના મુદે ટકકર સતત વધી રહી છે અને સર્વોચ્ચ અદાલત દ્વારા કોલેજીયમની ભલામણો તેની વેબસાઈટ પર મુકવાના કૃત્ય સામે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરણ રિજજુએ ગંભીર વાંધો ઉઠાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિના નિયુક્તિના મુદે જે ભલામણો થાય છે તેમાં આઈબી (ઈન્ટેલીજન્સ બ્યુરો) રો સહિતની જાસૂસી એજન્સીઓના પણ રિપોર્ટ હોય છે અને તે પણ જાહેર થવાથી ગંભીર સ્થિતિ બની શકે છે.
આજે એક કાર્યક્રમ દરમ્યાન રિજજુએ જણાવ્યું કે, રો અને આઈબીના રિપોર્ટ અત્યંત સંવેદનશીલ હોય છે અને તે જાહેર થતા નથી. પરંતુ હાઈકોર્ટના જજોની નિયુક્તિ અંગે રિપોર્ટ સાર્વજનિક કરવાના કૃત્ય અત્યંત ગંભીર બાબત છે.
માનવામાં આવે છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે ચાર દિવસ પહેલા આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર મુકયો હતો. દેશમાં ઉચ્ચ સ્થાને ન્યાયમૂર્તિઓની નિયુક્તિ પુર્વે રો અને આઈબી તેમની તપાસ કરીને રિપોર્ટ આપે છે અને કોઈ ગંભીર મુદા હોય તે પણ જણાવે છે.