♦ પેજ સમિતિ, કાર્પેટ બોમ્બીંગ તેમજ સરકારના કાર્યક્રમને પણ યશ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમનથી કારોબારીમાં જબરો જુસ્સો છવાયો : રાજય સરકારની યોજનાઓનો લાભ બોલ્યો
♦ માદક દ્રવ્યો અને વ્યાજખોરો સામે રાજય સરકારની ઝુંબેશ અંગે પણ કારોબારીમાં અભિનંદન અપાયા : કોંગ્રેસ અને ‘આપ’ને વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરાજય, મતની ટકાવારીના અંતર અને ડિપોઝીટ ડુલ સહિતનો ઉલ્લેખ કરાયો
રાજકોટ,તા.24
વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ પ્રથમ વખત મળેલી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં 2022ના અંતે યોજાયેલી આ ચૂંટણીમાં પ્રચંડ વિજય માટે ધન્યવાદ પ્રસ્તાવ પસાર કર્યો હતો તો બીજી તરફ 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર જીતથી સંતોષ નહીં માનવા અને અત્યાર સુધીના તમામ રેકર્ડ તુટે તેવા વિજય માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
ગઇકાલે સાંજે શરૂ થયેલી કારોબારીમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં મળેલી આ કારોબારીમાં મુખ્યમંત્રીના આગમનથી એક નવો ઉત્સાહ વ્યાપી ગયો હતો. કારોબારીમાં પસાર કરાયેલ ધન્યવાદ પ્રસ્તાવમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મતશેરમાં 2017 કરતા 100% જેવો વધારો થયો છે. તેના માટે પક્ષની લોકપ્રિયતા અને પક્ષના કામનું પ્રતિબિંબને યશ આપ્યો હતો.
આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવાનું પણ કારોબારીમાં ભુલાયુ નહીં અને ખાસ કરીને 126 બેઠકો પર ‘આપ’ની ડિપોઝીટ ડુલ થઇ તે નોંધ લેવામાં આવી રાજયમાં 33માંથી 16 જિલ્લામાંથી કોંગ્રેસ સાફ થઇ ગઇ તે પણ ઉલ્લેખ કરાયો હતો.
પક્ષ દ્વારા વિધાસભા ચૂંટણીના પ્રચંડ જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિલ્પી ગણાવ્યા હતા અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ પ્રચંડ વિજયના શિલ્પી તરીકે ગણાવ્યા તો પેજ સમિતિના સૌથી વધુ યશ અપાયો.
આ ઉપરાંત કાર્પેટ બોમ્બીંગની જાહેર સભાઓ, વન ડે, વન ડિસ્ટ્રીકટ અને કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાનો લાભ મળ્યો છે તેને પણ વિજય માટે મહત્વના ફેકટર તરીકે ગણાવાયા તો હાલમાં જ રાજય સરકાર દ્વારા જે નશીલા દ્રવ્યને રોકવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે અને વ્યાજખોરો સામે પણ આકરા પગલા લેવાઇ રહ્યા છે તેની કારોબારીમાં નોંધ લીધી હતી.
ભાજપ કારોબારીએ વિજયને આંકડાઓમાં મુલવ્યો : મૂંછ મરડવાની સાથે કોંગ્રેસ અને ‘આપ’ને અરીસો દેખાડયો
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બુથ સરસાઇમાં નજીવો વધારો કર્યો પણ લોકસભા ચૂંટણીમાં સરસાઇ મેળવેલી 23 બેઠકો જીતી
સુરેન્દ્રનગર ખાતેની ભાજપની કારોબારીમાં 2022ના વિજયને આંકડાઓમાં પણ મૂલવીને આગળના સમયનો રોડ મેપ તૈયાર કરાયો છે. કાર્યાલયમાં રજૂ થયેલ અભ્યાસ પેપર મુજબ 2017માં ભાજપને કુલ 49248માંથી 18204 બુથમાં એટલે કે 37.73% બુથમાં ખાધનો સામનો કરવો પડયો હતો. પરંતુ 2022માં કુલ 51782માંથી 15784 બુથમાં ખાધ સહન કરવી પડી. આમ બુથ વધ્યા તોય ભાજપની ખાધ યથાવત રહી છે. અને મામુલી સુધારો જોવા મળ્યો છે. 2017માં ભાજપને 63% બુથોમાં સરસાઇ મળી હતી. જયારે 2022માં 69% સરસાઇ મળી.
લોકસભા ચૂંટણીમાં 2019માં ભાજપ 173 બેઠક પર સરસાઇ ધરાવતું હતું જેમાં 2022માં 150 બેઠકો પર ભાજપને વિજય મળ્યો એટલે કે લોકસભાની સરસાઇ 23 બેઠકમાં ધોવાઇ જેની સામે 6 બેઠકો ભાજપે એવી જીતી કે 2019માં સરસાઇ મળી ન હતી આમ 156 બેઠકો ભાજપે જીતી, કોંગ્રેસે 2022માં જીતેલી 17 બેઠકોમાંથી 13 બેકઠો એવી છે કે લીડ 5000થી ઓછી છે.
આમ આદમી પાર્ટી અંગે પક્ષે કહ્યું કે, કુલ પાંચ બેઠકો પર વિજેતા જાહેર થયો અને 126 બેઠકો પર તેના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ પરંતુ આમ આદમી પાર્ટી 35 બેઠકો પર કોંગ્રેસને પાછળ રાખીને નંબર-2 થયું તે નોંધ લીધી નથી. જોકે મહત્વનું એ છે કે, મોટા ભાગની બેઠકોમાંથી ભાજપનો જીતનો માર્જીન ખુબ ઉંચો રહ્યો છે.
મને 157 બેઠકો પર જીતનો વિશ્વાસ હતો: પાટીલ
ભાજપની પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપને રેકોર્ડબ્રેક બહુમતી આપી છે અને નવ બેઠક એવી છે કે તે ગુજરાતની રચના બાદ કદી ભાજપને મળી ન હતી અને તે જીતી છે અને મતદાન પુરુ થયા બાદ મીડીયા અને વિવિધ સર્વેનું અનુમાન હતું કે ભાજપને 110 થી 135 બેઠક મળશે પરંતુ મને વિશ્વાસ હતો કે જીત ઐતિહાસિક હશે અને 157 બેઠકો પર જીતનો અમે વિશ્વાસ રાખ્યો હતો.