નવી દિલ્હી તા.24 : પાટનગર દિલ્હીમાં મેયર અને ડે.મેયર સહિતની ચૂંટણીઓમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે બેઠકમાં ધમાલ સર્જાતા ચૂંટણી તુર્તજ મુલત્વી રાખવામાં આવી છે. આમ આદમી પાર્ટીના દિલ્હી મહાનગરપાલિકામાં બહુમતી મળ્યા છતાં પણ એક માસથી વધુ સમયથી મેયર નિયુક્ત થઈ શકયા નથી.
આજે ફરી એક વખત દિલ્હી મહાનગરપાલિકાના બોર્ડની બેઠક મળી હતી તેમાં ઉપરાજયપાલની સૂચનાથી પ્રોટાઈમ સ્પીકરે નિયુક્ત સભ્યોને શપથ લેવડાવવાનું ચાલુ કરતા આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો પરંતુ બાદમાં 250 કોર્પોરેટરોએ શપથ લીધા હતા અને જેઓ ચૂંટણી માટેનો પ્રસ્તાવ નજીક આવ્યો તો તુર્તજ આમ આદમી પાર્ટીએ જેમને મતાધિકાર નથી તેવા સરકાર નિયુક્ત સભ્યને બોર્ડબેઠકની બહાર મોકલવા માંગણી કરી હતી પરંતુ પ્રોટાઈમ સ્પીકરે તે ન સ્વીકારતા ફરી ધમાલ શરુ થઈ હતી અને બોર્ડ મુલત્વી રાખવામાં આવ્યું હતું. આમ દિલ્હીમાં મેયરપદ માટેનો ઈંતેજાર લંબાયો છે.