રાજકોટ, તા.24 : રાજકોટ શહેરના આજી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર આપવાનું સરકારે શરૂ કરી દેતા રાજકોટ મનપાના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો છે. મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતી ચેરમેન દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતુ કે રાજકોટ શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી આપવામાં આવે છે. સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા પાઈપલાઈન દ્વારા આશરે 350 એમએલડી પાણી મેળવી વિતરણ કરવામાં આવે છે. દૈનિક પાણી વિતરણમાં કોઇ ખલેલ ન પડે તે માટે આ પાણી સરકારે શિયાળામાં શરૂ કરી દીધું છે. જ્યારે જયારે રાજકોટને પાણીની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી ફાળવવામાં આવેલ છે જેથી લોકોએ ચિંતા કરવાની કોઇ જરૂર નહીં હોવાનું પણ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ છે.