રાજકોટ,તા.24 : શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે.રખડતા પશુઓ અડીંગો જમાવી રોડ પર બેસી જતા હોય છે જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે પરંતુ આ બાબતે રાજકોટ મહાપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.ઢોરના પ્રશ્ને કોઈ કડક કાર્યવાહી કરવામાં નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રખડતા પશુઓ રોડ પર આવીને બેસી જતા હોય છે તેથી વાહન ચાલકોને રોડ પરથી પસાર થવુ મૂશ્કેલ બની રહ્યું છે.રખડતા ઢોરના પ્રશ્ને મહાપાલિકામાં વારંવાર રજુઆત થયા બાદ તંત્ર જાગે છે અને દેખાડા પુરતી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે થોડા મહિના પૂર્વે સાધુવાસવાણી રોડ પર એક વૃદ્ધને ગયેલા ઉલાડી પેટ પર પાટા મારતા તેમનું મોત નીપજ્યું હતું.તેમજ ભોમેશ્વરમાં પણ નિવૃત ફૌજીને ગાયે ઢીક મારી ઉલાળતા તેમને સારવારમાં ખસેડાયા હતા.ત્યારે વધુ એક વખત ઢોરનો ત્રાસ સામે આવ્યો છે.
કુવાડવાના જિયાણા ગામે રહેતા રેખાબેન દિનેશભાઈ વ્યાસ (ઉ.વ.49)આજે સવારના સમયે પોતાના ઘરેથી કચરો નાખવા જતા હતા ત્યારે ત્યાં નજીકમાં જ બે ખુટિયા બાધતા હતા ત્યારે ત્યાંથી નીકળવા જતા રેખાબેન પર એક ખુટિયાએ હુમલો કરી ઢીકે લઈ ઉલાડ્યા હતા.તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી.આજુબાજુના લોકોએ લાકડી લઈ ખુટિયાને ભગાડ્યા હતા અને રેખાબેનને ત્યાં કુવાડવામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા તેમને માથા પર ગંભીર ઇજાને કારણે સાત ટાંકા આવ્યા હતા.તેઓને જ્યારે ટાંકા લેવામાં આવી રહ્યા હતા ત્યારે તેણીને આંચકી ઉપડી ગઈ હતી.હાલ તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.