રાજકોટ,તા.24 : રૂ.2.65 લાખના ચેક રિટર્ન કેસમાં બિલ્ડર મેહુલ હરેશ વાછાણીને એક વર્ષની સજાનો હુકમ કોર્ટે કર્યો છે. રાજકોટમાં રહેતા ફરીયાદી દિપકભાઈ પ્રફુલભાઈ ઠકકરે આરોપી મેહુલભાઇ (રહે.જુનાગઢ)ના મોરબી તાલુકાના માઘાપર ગામે પ્રોજેકટમાં ફલેટ બુક કરાવી ફલેટના અવેજ પેટે રૂ.4.51 લાખ આપ્યા હતા. બિલ્ડીંગનુ બાંધકામ શરૂ નહી થતા તપાસ કરતા, આરોપી તથા તેમના ભાગીદારો દ્વારા પ્રોજેકટ બંધ કરી દીધો હોવાનું જાણવા મળતા કાનુની નોટીસ આપી હતી. તેમના ભાગીદારે અને મોર્ડન ડેવલપર્સ દ્વારા બેઠક કરાવી રૂ.1.86 લાખ રોકડા પરત કર્યા હતા. બાકી 2કમ છ માસમા ચુકવી આપશે તેવો કરાર કર્યો હતો અને ચેક આપેલો
તે રૂ.2.65 લાખની ચુકવણી માટે આપેલો ચેક રીર્ટન થતા કોર્ટ સમક્ષ ચેક રીર્ટનની ફરીયાદ થઈ હતી. જેમાં ફરીયાદીના વકીલ અલ્પેશ પોકીયા દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી મેહુલને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.2.65 લાખ ફરીયાદીને વળતર પેટે 30 દિવસમાં ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી વતી પી એન્ડ આર લો ચેમ્બરના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, અમીત ગડારા, કેતન સાવલીયા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા અને વંદના રાજયગુર રોકાયેલા હતા.