રાજકોટમાં જાલીનોટ મોકલનાર કમલેશે હૈદરાબાદના ઈશ્વર પાસેથી 10થી 25% કમિશન ચૂકવી નોટ ખરીદી હતી

24 January 2023 06:54 PM
Rajkot Crime
  • રાજકોટમાં જાલીનોટ મોકલનાર કમલેશે હૈદરાબાદના ઈશ્વર પાસેથી 10થી 25% કમિશન ચૂકવી નોટ ખરીદી હતી

પહેલીવાર જ્યારે નોટનો સોદો કરાયો ત્યારે 25% અને બીજીવાર 10% ચૂકવાયા હોવાની કમલેશની કબૂલાત: વૉટસએપ ચેટથી ઈશ્વર સાથે સંપર્કમાં આવ્યો હોવાનું રટણ: ઈશ્વરને પકડવા એક ટીમના હૈદરાબાદમાં ધામા

રાજકોટ, તા.24 : એ-ડિવિઝન પોલીસે રાજકોટમાંથી જાલીનોટના મસમોટા કૌભાંડને પકડી પાડ્યા બાદ તેમાં સંડોવાયેલા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સૌથી પહેલાં આ બનાવટી નોટોને આંગડિયામાં મોકલીને ઉપયોગ કરનાર રાજકોટના ભરત બોરીચા અને તેના ચાર મીત્રોની ધરપકડ કર્યા બાદ ભરતને આ નોટ પૂનાથી મોકલનાર કમલેશ ઉર્ફે કનૈયાલાલ શીવનદાસ જેઠવાણીની પૂનાથી ધરપકડ કરી હતી.

કમલેશની ધરપકડ બાદ તેણે એવી કબૂલાત આપી હતી કે તેણે હૈદરાબાદના ઈશ્વર નામના શખ્સ પાસેથી આ નોટની ખરીદી કરી હોવાથી પોલીસની એક ટીમ હૈદરાબાદમાં ઈશ્વરને પકડવા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. રિમાન્ડ પર રહેલા કમલેશે એવી કબૂલાત આપી હતી કે તે અને હૈદરાબાદનો ઈશ્વર વૉટસએપ ચેટથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ચેટિંગ દરમિયાન ઈશ્વરે તેની પાસે નકલી નોટ હોવાનું કહેતાં જ કમલેશે તે ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી. પહેલીવાર જ્યારે નોટની ખરીદી કરી ત્યારે કમલેશે ઈશ્વરને 25% કમીશન આપ્યું હતું

મતલબ કે એક લાખની નકલી નોટ સામે કમલેશે ઈશ્વરને 25 હજાર રૂપિયા આપ્યા હતા. આ નોટની સપ્લાય કમલેશે રાજકોટમાં ભરતને કર્યા બાદ વધુ નોટની જરૂરિયાત પડતાં ફરી કમલેશે ઈશ્વર પાસેથી નોટની માંગણી કરી હતી. જો કે આ વખતે તેણે 25% નહીં બલ્કે 10% જ કમીશન આપશે તેવું કહેતા તે સોદો પણ ઈશ્વરે ફાઈનલ કર્યો હતો. મતલબ કે બીજીવાર જ્યારે નકલી નોટનો સોદો થયો ત્યારે કમલેશે ઈશ્વરને 10 હજારની અસલી નોટ આપી હતી જેના બદલામાં ઈશ્વર પાસેથી એક લાખની નકલી નોટ મેળવી હતી. જો કે આ નોટ તે રાજકોટમાં ભરતને મોકલે તે પહેલાં જ પૂના પાસેથી નોટના જથ્થા સાથે પકડાઈ ગયો હતો.

કમલેશ દ્વારા અપાયેલી કબૂલાતના આધારે પોલીસની એક ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે અને ત્યાં ઈશ્વરની શોધખોળ આદરી છે. બીજી બાજુ પોલીસ એ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે કે કમલેશે રાજકોટમાં માત્ર ભરતને જ નકલી નોટો આપી છે કે બીજા કોઈ શહેરમાં પણ તેની જાળ ફેલાયેલી છે ? જો કે હૈદરાબાદનો ઈશ્વર પકડાઈ ગયા બાદ આ મામલામાં નવો ઘટસ્ફોટ થવાની સંભાવના પણ નકારી શકાતી નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement