રાજકોટ, તા.23 : જંકશન પ્લોટમાં વર્ષ 2016માં ઘર પાસે લઘુશંકા કરતા વ્યક્તિને ટપારતા જીજ્ઞેશ ગોકાણીની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ કેસમાં બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે. તા.31/08/2016ના રોજ બનેલા આ ચકચારી બનાવની વિગત મુજબ જંકશન પ્લોટમાં રહેતા જીજ્ઞેશભાઈ જગદીશભાઈ ગોકાણીએ ઘર પાસે આરોપીને પેસાબ કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ
આરોપીઓએ આડેધડ છરીના ઘા ઝીંકી દેતા સ્થળ પર જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આરોપીઓ ફરાર થઇ ગયા બાદ કોઈએ મૃતકના પિતા જગદીશભાઈ પરસોત્તમભાઈ ગોકાણીને જાણ કરતા તેઓ દોડી આવેલા પણ ત્યાં સુધીમાં ઘટના સ્થળે જ જીજ્ઞેશનું મોટ થઈ ગયું હતું. પ્રદ્યુમનનગર પોલીસે જગદીશભાઈની ફરિયાદ પરથી આરોપી સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા અને સતીષ બાબુભાઈ પરમાર વિરુદ્ધ આઇપીસી 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધેલો. બંને આરોપીની ધરપકડ પછી ચાર્જશીટ થતા કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં આરોપીઓના વકીલે ધારદાર દલીલો કરેલી કે, ઉલટ તપાસમાં ફરિયાદ કરતા વિરોધાભાસ સામે આવ્યો છે.
ઓળખ પરેડ થઈ નથી. ફરિયાદી પક્ષ તેમની ફરિયાદ પુરવાર કરી શક્યા નથી. બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલો ગ્રાહ્ય રાખી હત્યાના ગુનામાં બંને આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી સાવન વતી લીગલ એઈડના એડવોકેટ ચેતનાબેન આર. કાછડીયા અને આરોપી સતીષ વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા તેમજ હર્ષ રોહીતભાઈ ઘીયા રોકાયા હતા.