રાજકોટ,તા.24 : 150 ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર સામે સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતાં અને જમીન મકાનની દલાલીનું કામ કરવા સાથે લોહાનગરમાં ચાની હોટેલ પણ ચલાવતાં સવજીભાઇ વીરાભાઇ ડાંગર (ઉ.વ.61) નામના વૃધ્ધ 18મીએ ભકિતનગર રેલ્વે સ્ટેશન પાછળના પટમાં કબૂતરોને ચણ નાખવા ગયા ત્યારે એક શખ્સ ભડકો કરી ડોલમાં પાણી ભરી બેઠો હોઇ વૃધ્ધે પાટુ મારી તેનું પાણી ઢોળી નાંખી મેદાનમાં પક્ષીઓ ચણ માટે આવતા હોય તેમને ભડકા કરવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને તેમની કમરે બાંધેલી રિવોલ્વર લૂંટી ભાગી ગયો હતો.આ ભેદ રેલ્વે પોલીસે ઉકેલી મુળ રાજસ્થાનના વીંછીવાડાના જીંજવા ગામના અને હાલ રાજકોટમાં રખડતાં રહેતાં શકિતકાંત જગન્નાથજી ડામોર (ઉ.વ.30)ને પકડી લઇ રિવોલ્વર કબ્જે કરી છે.
ડીવાયએસપી જે. કે. ઝાલાની રાહબરીમાં પીઆઇ એ.બી.અસારી, એએસઆઈ કાંતિભાઈ કટારીયા અને અજયભાઈ રાઠોડ અને ટીમે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં અને આરોપી જે તરફ ભાગ્યો એ રસ્તા પરના કેમેરા ચેક કરતાં પગેરૂ મળ્યું હતું.છેલ્લે તેને કાલાવડ રોડ પાણીના પ્લાન્ટથી મોકાજી સર્કલના રસ્તે ટેનીસ એકેડેમીના ખુલ્લા પટમાંથી પકડી લેવાયો હતો. તેની પાસેથી લૂંટાયેલી રિવોલ્વર પણ મળી આવી હતી જે ખાલી હતી. સમગ્ર ઘટનામાં આરોપીએ કબુલ્યું છે કે,હું રેલ્વેના ખુલ્લા પટમાં પક્ષીને લોકો ચણ નાખે છે ત્યાં બેઠો હતો અને મેં ઠંડીને કારણે તાપણુ કર્યુ હતું.મારી પાસે કાળા કલરનું પતરાનું ડબલુ હતું.
જેમાં સફેદ કલર હતો તેના દ્વારા મેં તાપણુ કર્યુ હતું.એ વખતે વૃધ્ધે આવી પક્ષીઓને ચણવાની જગ્યાએ આવા તાપણા નહિ કરવાનું કહી ડબલાને પાટુમારી દેતાં મને ગુસ્સો આવતાં મેં ત્યાં પડેલા લોખંડના ટૂકડાથી હુમલો કરતા તેઓ પડી ગયેલ અને લોહી નીકળવા લાગ્યા હતા.એ દરમિયાન તેના કમરે લટકાડેલી રિવોલ્વર જોતાં તેઓ ભડાકો કરશે તેવો ભય લાગતાં મેં રિવોલ્વર કાઢી લીધી હતી અને ભાગી ગયો હતો.આરોપીને ગઇકાલે કોર્ટમાં રજૂ કરતા તેમના બે દિવસના રિમાન્ડ મળ્યા હતા.તેની પાસેથી રિવોલ્વર કબ્જે લીધી છે અને તે રખડતું જીવન જીવે છે.તેમજ 15 દિવસ પહેલા જ રાજસ્થાનથી રાજકોટ આવ્યો હતો.