રાજકોટ,તા.24 : રૂ.1 કરોડ જેટલી રકમની છેતરપીંડીના ગુનામાં રાજકોટના આરોપી તુષાર સેજપાલની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ થઈ છે. રાજકોટ ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસમાં અમદાવાદના ઈરફાન ઉમરભાઈ શેખએ ફરિયાદ નોંધાવેલ કે, તેમની કંપનીમાં નોકરી કરતો કર્મચારી તુષાર ભરત સેજપાલ (રહે. નવકાર એપાર્ટમેન્ટ, નાગશ્વર વિસ્તાર, જામનગર રોડ, રાજકોટ)એ તેમની કંપનીમાંથી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી રૂ.1 કરોડ જેટલી રકમ તેમના સગાઓ અને અન્ય આરોપીઓના ખાતામાં ખોટી રીતે ટ્રાન્સફર કરી ગુન્હો કર્યો હતો.
લોકડાઉન બાદ બહાર આવેલા આ બનાવમાં પોલીસે આરોપી તુષારને પકડી જેલ હવાલે કર્યો હતો. અને ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેલમાંથી આરોપીએ ચાર્જશીટ પછી જામીન અરજી કરતા કોર્ટમાં સરકારી વકીલે વાંધા રજૂ કરી દલીલો કરી હતી કે, મોટી રકમની છેતરપીંડી થઈ છે. જો આવા ગુના કરવા વાળાં આરોપીને જામીન મળે તો ફરી આવા ગુના કરશે. દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ ન્યાયમૂર્તિ એ.વી. હિરપરાએ આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા.