ભગવતીપરા અને મોરબી રોડ પર તસ્કરો ત્રાટકયા: રૂ.1.82 લાખના મુદ્દામાલની ચોરી

24 January 2023 07:00 PM
Rajkot Crime
  • ભગવતીપરા અને મોરબી રોડ પર તસ્કરો ત્રાટકયા: રૂ.1.82 લાખના મુદ્દામાલની ચોરી

ભગવતીપરામાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ અને ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા: મોરબી રોડ પર પાર્ક કરેલા ટ્રકમાંથી ટાયર, વ્હિલ પ્લેટ અને જેકની ચોરી કરી અજાણ્યાં શખ્સો નાસી છૂટ્યા: પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી

રાજકોટ,તા.24 : શિયાળાની હાડ થીજાવતી ઠંડીમાં તસ્કરોએ ભગવતીપરા અને મોરબી રોડ પર ત્રાટકીને મોટો હાથ મારીને સોના ચાંદીના દાગીના,રોકડ અને ટ્રકના ટાયર મળી રૂ.1.82 લાખના મુદામાલની તસ્કરી કરી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી પવનભાઈ પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.42), (રહે. ભગવતીપરા સુખસાગર સોસાયટી શેરી નં.06 રવેચી ડેરી વાળી શેરી) એ જણાવ્યું હતું કે, પોતે રાજકોટ મહાનગરપાલિકામા સફાઈ કામદાર તરીકે વોર્ડ નં.3માં નોકરી કરૂ છું અને સંતાનમા ચાર દિકરી તથા એક દિકરો છે. જેમા બે દિકરીઓના લગ્ન થઈ ગયેલ છે અને બે પુત્રી અને એક પુત્ર સાથે રહું છું. ગઈ તા.17 ના સાંજના સાતેક વાગ્યે તે તથા તેમનો પરિવાર રાજસ્થાનના નસીરાબાદ ખાતે પ્રસંગમાં ગયેલ હતાં.

જ્યાંથી ફરિયાદી તા.22ના સવારના નવેક વાગ્યે પરત ઘરે આવેલ અને ડેલી તથા ઘરનુ તાળુ ખોલેલ અને ઘરમા જોયેલ તો ઘરમાં રાખેલ ટીવીના સ્ટેન્ડના નીચેનો દરવાજો ખુલ્લી હાલતમાં હતો અને સ્ટેન્ડર પર ટીવી તથા હોમ થીયેટર જોવામાં આવેલ નહીં, જેથી ફરિયાદીએ કીચનમા સંતાડીને મુકેલ બોક્સમા દાગીના જોતા તેમા સોના - ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા જોવામા આવેલ નહી, જેમાં સોનાની બુટીઓ નંગ.4 તથા બુટીની લટ નંગ.4 આશરે કિ.રૂ. એક લાખ તેમજ ચાંદીના સાંકળા નંગ.4 રૂ.10 હજાર, રોકડા રૂપિયા 15 હજાર તેમજ ઘરમા તપાસ કરતા ગેસનો બોટલ એક રૂ.એક હજાર, મીક્ષર નંગ.1 રૂ.500 જોવામા ના આવતા ઘરમાંથી કોઈ અજાણ્યો શખ્સ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.43 લાખના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

બીજી ચોરીના બનાવમાં ફરિયાદી દિનેશભાઈ મોહનભાઈ જેઠા (ઉ.વ.45) (રહે.જુનો મોરબી રોડ ક્ચ્છી લુહાણા વાડી વાળી શેરી મહા શક્તિ પાર્ક) એ જણાવ્યું હતું કે તે ડ્રાઈવિંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે અશોક લેલન રજીસ્ટર નં જીજે.03.એટી.4299 વાળો ટ્રક છે જે પોતે ડ્રાઈવિંગ કરે છે. ગઇ તા.19ના તે મુંદ્રાથી ભંગારની ગાડી ભરીને રાજકોટ ખાલી કરવાની હતી જેથી ટ્રક માંડાડુંગર ખાતે ખાલી કરવા માટે તા. 20 ના ખાલી કરેલ બાદમાં બીજા દિવસે ટ્રક જુનો મોરબી રોડ કચ્છી લુહાણા વાડી સામે રોડ ઉપર પાર્ક કરી ઘરે જતો રહેલ હતો. બાદમાં ગઈકાલે તેના મિત્ર વિરમભાઈ ગાંડુભાઈ કાતરનો ફોન આવેલ કે, તમારા ટ્રકમાં જેક કેમ મારેલ છે અને ટ્રકમાથી કોઈ ટાયર કાઢી ગયેલ છે, જેથી ફરિયાદીએ તપાસ કરતાં ટ્રકમાંથી બે ટાયર ,વ્હિલ પ્લેટ બે અને જેક મળી રૂ.39 હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.આઈ.શેખ સહિતના સ્ટાફે સિસિટીવી ફુટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


Related News

Advertisement
Advertisement
Advertisement