♦ પાંચ મેચમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 349 રનનો !: ટી-20ના અંદાજમાં વન-ડે ફોર્મેટમાં બેટિંગ હરિફ ટીમના બોલરો માટે ઘાતક
♦ શુભમન ગીલ, વિરાટ કોહલી, રોહિત શર્માનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ઉજળા સંકેત
ઈન્દોર, તા.25
ઈન્દોર વન-ડેમાં ફરીવાર ભારતીય ટીમના બેટર્સે દમખમ બતાવ્યો છે. કેપ્ટન રોહિત શર્માના બેટમાંથી 1101 દિવસ બાદ સદી નીકળી છે. શ્રેણીના પહેલા મુકાબલામાં બેવડી સદી બનાવી ચૂકેલા શુભમન ગીલે ફરી કમાલ કરીને સદી ફટકારી હતી. આ વર્ષ વન-ડે વર્લ્ડકપનું વર્ષ છે જેને ધ્યાનમાં રાખી ટીમ ઈન્ડિયાના બેટરો જે પ્રકારે ફોર્મમાં રમી રહ્યા છે તેને જોતાં ચાહકોના મનમાં 12 વર્ષ બાદ ફરી વર્લ્ડકપ જીતવાની આશા બંધાઈ છે.
ટીમ અત્યારે વન-ડેમાં પણ ટી-20ના અંદાજથી બેટિંગ કરી રહી છે. વન-ડેમાં પહેલા બેટિંગ કરતાં પાછલી પાંચેય મેચમાં ભારતે 300થી વધુ રન બનાવ્યા છે. આ પાંચ મેચમાં ભારતનો સૌથી નાનો સ્કોર 349 રન રહ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ 2022ના અંતમાં રમાયેલી વન-ડે મેચમાં ઈશાન કિશને ડબલ સેન્ચુરી બનાવી હતી.
આ મેચમાં ભારતે 409 રન ઝૂડ્યા હતા. શ્રીલંકા વિરુદ્ધ ત્રણમાંથી બે મેચમાં ભારતે પહેલાં બેટિંગ કરી હતી જે બન્નેમાં 383 અને 390 રન બનાવ્યા હતા. રોહિત શર્માની ટીમ અહીંથી અટકી નહોતી. હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણીની પહેલી મેચમાં ભારતે 349 રન બનાવ્યા હતા જ્યારે ત્રીજી વન-ડેમાં પહેલાં બેટિંગ કરતાં 385 રન ફટકાર્યા છે.
ભારતીય બેટર અત્યારે શાનદાર ફોર્મમાં રમી રહ્યા છે. પાછલા પાંચ મેચ પર જ નજર કરીએ તો ટીમ ઈન્ડિયાના ચાર ક્રિકેટર આઠ સદી બનાવી ચૂક્યા છે. આ દરમિયાન કોહલી અને શુભમન ગીલે સૌથી વધુ ત્રણ-ત્રણ સદી બનાવી છે. ઈશાન કિશન અને રોહિત શર્માના બેટમાંથી એક-એક સદી નીકળી છે. વિરાટે બે સદી શ્રીલંકા વિરુદ્ધ લગાવી જ્યારે એક સદી તે બાંગ્લાદેશ વિરુદ્ધ લગાવી ચૂક્યો હતો. શુભમન ગીલ આ શ્રેણીમાં એક સદી અકે એક બેવડી સદી બનાવી ચૂક્યો છે. શ્રીલંકા વિરુદ્ધ પણ તેનું બેટ ખૂબ ચાલ્યું હતું.
વર્ષ-2023માં ટીમ ઈન્ડિયાના બેટરનું પ્રદર્શન
► શુભમન ગીલ-6 મેચ, 567 રન, 113ની સરેરાશ, 208 હાઈએસ્ટ સ્કોર, ત્રણ સદી, એક ફિફટી
► વિરાટ કોહલી-6 મેચ, 338 રન, 67ની સરેરાશ, અણનમ 166 હાઈએસ્ટ સ્કોર, બે સદી
► રોહિત શર્મા-6 મેચ, 328 રન, 54ની સરેરાશ, 101 હાઈએસ્ટ સ્કોર, એક સદી, બે ફિફટી
વર્ષ-2023માં ભારતના સદીવીર (વન-ડે)
ખેલાડી | રન | હરિફ ટીમ |
ગીલ | 208 રન | ન્યુઝીલેન્ડ |
કોહલી | અણનમ 166 | શ્રીલંકા |
ગીલ | 116 | શ્રીલંકા |
કોહલી | 113 | શ્રીલંકા |
ગીલ | 112 | ન્યુઝીલેન્ડ |
રોહિત | 101 | ન્યુઝીલેન્ડ |
પાંચ વન-ડેમાં ભારતનો સ્કોર
સ્કોર | હરિફ ટીમ |
373 | શ્રીલંકા |
390 | શ્રીલંકા |
349 | ન્યુઝીલેન્ડ |
385 | ન્યુઝીલેન્ડ |
408 | બાંગ્લાદેશ |
વન-ડે ઈતિહાસમાં પહેલીવાર નંબર-વન ટીમ આખી શ્રેણી હારી
ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડના સૂપડા સાફ કરીને નંબર વનનો તાજ હાંસલ કર્યો છે. વન-ડે ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે નંબર વનની ટીમ ત્રણ મેચની કોઈ શ્રેણીમાં હારી ગઈ હોય. ટીમ માટે સૌથી મોટી ઉપલબ્ધી શુભમન ગીલ રહ્યો જેણે રેકોર્ડના ઢગલા કરી દીધા હતા.
રોહિતે પોન્ટીંગની કરી બરાબરી, જયસૂર્યા કરતાં આગળ નીકળ્યો, ગંભીર-વેંગસરકરની ક્લબમાં થયો સામેલ
રોહિતે કરિયરની 30મી સદી બનાવીને ઑસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટીંગની બરાબરી કરી છે. આ દરમિયાન રોહિતે છ છગ્ગા લગાવ્યા જેથી તેના કુલ 273 છગ્ગા થતાં જ તેણે શ્રીલંકાના સનત જયસૂર્યા (270 છગ્ગા)ને પાછળ છોડી દીધો છે. જ્યારે રોહિત ન્યુઝીલેન્ડનો સફાયો કરનારો ત્રીજો કેપ્ટન બન્યો છે. હવે તે ગૌતમ ગંભીર અને દિલીપ વેંગસરકરની ક્લબમાં સામેલ થયો છે. ટીમે 1988માં વેંગરસરકરની આગેવાનીમાં 4-0થી અને ત્યારપછી 2010માં ગંભીરની આગેવાનીમાં 5-0થી શ્રેણી જીતી હતી.
વન-ડેમાં ઓપનિંગ બેટર તરીકે રોહિતના 10 વર્ષ પૂરા
રોહિત શર્માએ વન-ડેમાં ઓપનિંગ બેટર તરીકે 10 વર્ષ પૂર્ણ કરી લીધા છે. તેણે 2013માં મોહાલીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગૌતમ ગંભીર સાથે પહેલીવાર ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદથી તે ઈનિંગની શરૂઆત કરતો આવ્યો છષ અને આ દરમિયાન તે 55.93ની સરેરાશ અને 92.71ના સ્ટ્રાઈક રેટથી 7663 રન બનાવી ચૂક્યો છે.