નવીદિલ્હી, તા.25
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચ બાદ સ્વીકાર કર્યો કે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આવતાં મહિનાથી શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણી સરળ રહેવાની નથી પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું કે અમે વિશ્વની નંબર વન ટીમ સામે ભીડવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. એકંદરે હવે ટીમ ઈન્ડિયાની નજર ટી-20, વન-ડે બાદ ટેસ્ટમાં નંબર વન બનવા તરફ મંડાઈ છે.
રોહિતે મેચ બાદ કહ્યું કે ઈમાનદારીથી કહું તો અમે રેન્કીંગને લઈને બહુ વાત નથી કરતા. આ મેચ જીતવા સાથે જોડાયેલી વાત છે અને અમે જ્યારે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમશું ત્યારે પણ અમારું વલણ અલગ નહીં હોય. જો કે આ પડકાર સરળ નહીં રહે છતાં તેના માટે અમે તૈયાર છીએ.
પાછલી છ વન-ડેમાં અમે તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું છે. બેટ અને બોલથી અમે નિરંતરતા જાળવી રાખી છે. આઠ વિકેટે 385 રન બનાવવા છતાં બેટિંગ માટે અનુકુળ વિકેટ પર જીતને સુનિશ્ચિત માની શકાતી નહોતી. અમે સિરાજ અને શમી વગર બીજા ખેલાડીઓને તક આપવા માંગતા હતા. અમે ચહલ અને મલિકને ટીમમાં રાખવા માંગીએ છીએ અને દબાણયુક્ત સ્થિતિમાંથી તેઓ પણ પસાર થાય તેવું ઈચ્છીએ છીએ.