હવે ટ્રેનમાં યાત્રીને લિટ્ટી-ચોખા, ઈડલી-સંભાર સહિત તેના વિસ્તારની વાનગીનો સ્વાદ મળી શકશે

25 January 2023 10:32 AM
India Travel
  • હવે ટ્રેનમાં યાત્રીને લિટ્ટી-ચોખા, ઈડલી-સંભાર સહિત તેના વિસ્તારની વાનગીનો સ્વાદ મળી શકશે

► આવતીકાલથી ટ્રેનોના મેનુમાં નવા ફેરફારો લાગુ

► જૈન સમાજ માટે ડુંગળી-લસણ વિનાના ભોજનની વ્યવસ્થા: ડાયાબીટીસના દર્દીઓ માટે બાફેલા શાકભાજી અને બાળકો માટે બેબીફુડનો પ્રબંધ: વેજ-નોનવેજનો તફાવત ભોજનની ટ્રેના રંગથી નકકી થશે

નવી દિલ્હી,તા.25
નવા વર્ષમાં ટ્રેનના મેનુમાં મોટો ફેરફાર થયો છે. રેલયાત્રીઓને હવે ક્ષેત્રીય ભોજન લિટ્ટી-ચોખા સહિત ઈડલી-સંભાર પીરસવામાં આવશે. જયારે જૈન સમાજ માટે શુદ્ધ શાકાહારી અને ડાયાબીટીસના દર્દીઓ માટે બાફેલી શાકભાજી ઓટસ પીરસવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય જાડા અનાજ વર્ષ 2023ને ધ્યાનમાં રાખીને રેલવેએ ટ્રેનોમાં જાડા અનાજના આઠ ભોજનોને પણ સામેલ કર્યા છે. આ ફેરફારમાં નાના બાળકો માટે બેબી ફુડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે બોર્ડના 12 જાન્યુઆરીના આદેશ મુજબ બધી રાજધાની, શતાબ્દી, દુરંતો અને વંદેભારત ટ્રેનોના મેનુમાં 26 જાન્યુઆરીથી આ ફેરફાર લાગુ કરવામાં આવશે.

રેલવેએ 2019 બાદ ટ્રેનોના કેટરીંગ મેનુમાં ફેરફાર કર્યો છે. બોર્ડ અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલ યાત્રીઓને હવે તેમના ક્ષેત્રના લોકપ્રિય ભોજન પીરસવામાં આવશે. જેમાં લિટ્ટી-ચોખા, ઈડલી-સંભાર, ઢોસા, મોટો પાઉં, પાઉંભાજી, ભેળપુરી, ખીચડી, વેજ-નોનવેજ મોમાંઝ, સ્પ્રિંગ રોલ વગેરેનો સમાવેશ થાય છે. જયારે જૈન યાત્રીઓ માટે લસણ-ડુંગળી વિના રંધાયેલ ભોજન પીરસવામાં આવશે.

આ સિવાય ડાયાબીટીસના દર્દીઓને બાફેલા શાક, દૂધની સાથે ઓટસ, દૂધની સાથે કોર્ન ફલેક, સફેદ ભાગની આમલેટ વગેરે મળશે. આ સિવાય સુગર ફ્રી ચા-કોફીની વ્યવસ્થા થશે. રેલવેએ મોટા અનાજ રાગીમાંથી બનેલ કચોરી, ઈડલી, ઢોસા, પરોઠા, ઉપમા વગેરેની પણ વ્યવસ્થા કરાવી છે.

નવા મેનુમાં વેજ અને નોનવેજ ભોજનની ટ્રે નો રંગ અલગ અલગ હશે. ટ્રે પર ખોરાકની સામે તેનું મુલ્ય પણ જણાવાશે. ડબ્બાબંધ-પેક ખોરાકમાં દિવસ, તારીખ, સમય, કોન્ટ્રાકટરનું નામ હશે. ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર પણ હશે.


Related News

Advertisement
Advertisement
Advertisement