નવીદિલ્હી, તા.25
મહિલા આઈપીએલની હરાજી આજે મુંબઈમાં યોજાશે. ટૂર્નામેન્ટમાં રમનારી પાંચ ટીમોને ખરીદવા માટે 30થી વધુ કંપનીઓએ પાંચ કરોડ રૂપિયામાં હરાજીના દસ્તાવેજો ખરીદયા હતા પરંતુ આજે થનારી હરાજીમાં માત્ર 17 કંપનીઓ જ ભાગ લેશે. અંદાજે 13 કંપનીઓએ હરાજીમાંથી હાથ પાછા ખેંચી લીધા હતા જેમાં પુરુષ આઈપીએલ ટીમોનો માલિકી હક્ક ધરાવતી સાત કંપનીઓ પણ સામેલ છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને આજે થનારી હરાજી બાદ ઓછામાં ઓછા ચાર હજાર કરોડ રૂપિયાની કમાણી થવાની શક્યતા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક ટીમ 500થી 600 કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે. ટેન્ડર ડૉક્યુમેન્ટ અનુસાર ટીમ ખરીદવા માટે કંપનીની નેટ વર્થ 1000 કરોડ રૂપિયા હોવી જોઈએ.
વાયકૉમ-18એ પાંચ વર્ષ (2023-27) માટે વિમેન્સ આઈપીએલના મીડિયા રાઈટસ હાંસલ કરેલા છે. તેણે આ હરાજીમાં 951 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને અધિકારો મેળવ્યા છે જે પ્રતિ મેચ 7.09 કરોડ રૂપિયા બરાબર છે. બીસીસીઆઈના સચિવ જય શાહે 16 જાન્યુઆરીએ ટવીટર પર આ અંગેની જાણકારી આપી હતી.
પુરુષ આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપીટલ્સ ટીમ ખરીદવામાં વધુ રસ દાખવી શકે છે. તેમણે વૈશ્ર્વિક સ્તરે પણ ટીમ ખરીદી છે. જ્યારે અન્ય ત્રણ પુરુષ આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપરકિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસે હરાજી પ્રક્રિયામાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે. જો કે આ ત્રણેયે ટેન્ડર ખરીદયું હતું.