જામનગરમાં ઈન્કમટેકસ ત્રાટકયુ: શીપીંગ મશીનરી જુથ પર દરોડા

25 January 2023 01:32 PM
Jamnagar Gujarat Saurashtra
  • જામનગરમાં ઈન્કમટેકસ ત્રાટકયુ: શીપીંગ મશીનરી જુથ પર દરોડા
  • જામનગરમાં ઈન્કમટેકસ ત્રાટકયુ: શીપીંગ મશીનરી જુથ પર દરોડા
  • જામનગરમાં ઈન્કમટેકસ ત્રાટકયુ: શીપીંગ મશીનરી જુથ પર દરોડા

કંડલા-ભાવનગર બાદ હવે જામનગર નિશાન : હાપામાં ઈનાયત મુસા એન્ડ કંપની પર તવાઈ: ભાવનગરના કનેકશનમાં તપાસ હોવાની ચર્ચા: મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા

રાજકોટ તા.25 : ગુજરાતમાં આવકવેરા વિભાગની તવાઈ યથાવત રહી હોય તેમ કંડલા-ભાવનગર બાદ આજે જામનગરમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શીપ બ્રેકીંગ સાથે સંકળાયેલી મશીનરીનું ઉત્પાદન કરતા ઉદ્યોગજૂથને નિશાન બનાવવામાં આવ્યું છે. ભાવનગરના કનેકશનમાં આ પાસ હોવાના અહેવાલ છે. આવકવેરા ખાતાના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સવારથી અધિકરીઓની ટીમોએ જામનગર સ્થિત મશીનરી ઉત્પાદક જૂથ પર દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર નજીક હાપામાં ઓફિસ-ફેકટરી ધરાવતા ઈનાયત મુસા એન્ડ કંપની પર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ-ફેકટરી ઉપરાંત નિવાસે પણ તપાસ કાર્યવાહી હોવાની ચર્ચા છે.

આવકવેરા દરોડામાં અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારના હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. પ્રાદેશિક તપાસમાં જ કેટલાંક વાંધાજનક-શંકાસ્પદ વ્યવહારો હાથ લાગતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે ગઈકાલે ભાવનગરમાં શીપ બ્રેકીંગ સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા બે ઉદ્યોગજૂથના છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં જામનગરના ઉદ્યોગજૂથનું નામ ખુલ્યુ હતું. ભાવનગરના કનેકશનમાં જ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયાનુ માનવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં માલવી મીકેનીક વર્કસ તથા પટેલ પ્લાસ્ટીક એમ બે ઉદ્યોગ એકમોના છ સ્થળોએ ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના શિશુવિહાર, પ્રભુદાસ તળાવ, મોતીતળાવ, નવાપરા, વીઆઈપી કુંભારવાડામાં ઉદ્યોગો તથા તેના સંચાલકોના સ્થળો પરની આ સર્ચ કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ જારી રાખવામાં આવી હતી અને તે દરમ્યાન આજે જામનગરના એકમને પણ નિશાન બનાવવામાં આવ્યુ હતું.

ઈન્કમટેકસ દરોડામાં મોટી રકમની કરચોરી ખુલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. અમદાવાદ વીંગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી વિશે સતાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે જામનગરમાં સર્ચ ઓપરેશન પુર્વે છેલ્લા બે દિવસ દરમ્યાન કંડલા તથા ભાવનગરમાં પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કંડલામાં સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં યુઝડ ગારમેન્ટ વ્યવસાયિક પર દરોડા હતા તેમાં મોટુ અંડર વેલ્યુએશન થતુ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના બજેટ વખતે આવકવેરા દરોડા કાર્યવાહી થતી હોતી નથી પરંતુ આ વખતે સામાન્ય બજેટ પુર્વે પણ સર્ચ ઓપરેશન જારી રહેતા વેપારઉદ્યોગમાં ફફડાટ ફેલાયો છે. આવતા દિવસોમાં આવા વધુ ઓપરેશન થવાની આશંકાથી ઉદ્યોગકારો સાવધ બન્યા છે.

જામનગરમાં શીપ પાર્ટસ ઉત્પાદકના કારખાના અને નિવાસે આવકવેરાની તપાસ : જામનગરના હાપા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ઇનાયત મુસા એન્ડ કંપની નામની શીપીંગ લાઇન સાથે જોડાયેલી એક કંપનીને ત્યાં ગઇકાલ સાંજથી આવકવેરા વિભાગની ટીમે કરચોરીની આશંકાના આધારે સર્વેની કામગીરી હાથ ધરી હતી. આજે બપોર સુધી આ કામગીરી ચાલુ રહેવા પામી હતી. કંપનીના સંચાલકના વાલ્કેશ્ર્વરી નગરી સ્થિત આવેલ નિવાસે પણ એક ટીમે સર્ચની કામગીરી હાથ ધરી છે. બન્ને સ્થળોએ પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. આ કંપની ગુજરાતના અને દેશના અન્ય અનેક બંદરો ઉપર કામ કરે છે. તેમજ ખાસ કિસ્સામાં શીપના પાર્ટસ ઉપરાંત એકસ્પોર્ટ કન્ટેઇનર બનાવવાનું કામ પણ કરે છે. (તસ્વીર: હિતેષ મકવાણા)


Related News

Advertisement
Advertisement
Advertisement