મુંબઈ તા.25 : રિલીઝ પુર્વે જ વિવાદમાં ફસાયેલી શાહરુખખાનની ફિલ્મ ‘પઠાન’ ને આજે પ્રથમ દિવસે એક તરફ જબરુ કલેકશન મળી રહ્યું છે તો બીજી તરફ ફિલ્મ સામે હિન્દુવાદી સંગઠનોએ આપેલા ફતવા બાદ મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ સહિતના અનેક રાજયોમાં આજે ફિલ્મના પ્રથમ શોના પ્રદર્શન સમયે જ વિશ્વ હિન્દુ પરિષદ
તથા બજરંગદળના કાર્યકર્તાઓએ સિનેમાહોલ ખાતે પહોંચીને ફિલ્મના પોસ્ટર અને હોર્ડીંગ્ઝ ફાડી નાંખ્યા હતા તથા ફિલ્મ જોવા આવેલા દર્શકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જેના કારણે કેટલાક સીનેમાઘરોએ પ્રથમ શો રદ કરવો પડયો હતો. ગુજરાતમાં જો કે વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળે પઠાન ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો હતો અને રાજયમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે છતાં પણ સાવચેતી રૂપે થિયેટરોને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.
ઉતરપ્રદેશના આગ્રામાં તથા મધ્યપ્રદેશમાં ઈન્દોર સહિતના શહેરોમાં ફિલ્મ માટે પ્રદર્શન થયા હતા અને હિન્દુવાદી સંગઠનોએ શાહરુખખાન વિરોધી પણ સૂત્રોચ્ચાર કર્યા હતા પરંતુ ગુજરાતમાં કયાંય અનિચ્છનીય ઘટના બની નથી અને તેથી રાજયમાં આ ફિલ્મને જબરુ કલેકશન મળે તેવા સંકેત છે. અનેક મલ્ટીપ્લેકસ એડવાન્સ બુકીંગ બાદ પણ ફિલ્મના શો વધારી દીધા છે અને 14થી16 કલાક સુધી ફિલ્મનું પ્રદર્શન થાય તે રીતે શોના ટાઈમ નિશ્ચીત કર્યા છે.