રાજકોટ તા.25
ગત ડીસેમ્બર નાતાલા પર્વમાં એર લાઈન્સ કંપનીઓએ ત્રણ ચાર ગણા એરફેરના વધારા સાથે મુસાફરોને હવાઈ સેવા પુરી પાડયા બાદ હાલ જાન્યુઆરી માસના ઉતરાયણ પર્વ પછીના દિવસોમાં મુસાફરોનો ધસારો રહેતા એર ફેરમાં ફરી વધારો ઝીંકી દેતા હાલ રાજકોટ મુંબઈનું ભાડુ રૂા.20 હજાર ઉપર અને દિલ્હીનું રૂા.12 હજારને પાર ટિકીટ ભાડુ વસુલતા મુસાફર વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે.
વખતોવખત એર લાઈન્સ કંપનીઓનાં ઉંચા દર ઝીંકી દે છે તેની ઉપર કોઈ નિયંત્રણ નહીં હોવાથી હવાઈ મુસાફરોને ના છુટકે ટિકીટ ભાડુ ચુકવી મુસાફરી કરવી પડે છે. ઉતરાયણ પર્વ બાદ લગ્નસરા અને શુભ સામાજિક પ્રસંગોમા હાજરી આપવા દેશ વિદેશોમાંથી એનઆરઆઈની મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાં આવાગમનના પગલે એર લાઈન્સ કંપનીઓએ તકનો લાભ લઈ ટિકીટ દરમાં બેથી ત્રણ ગણો વધારો ઝીંકતા મુસાફરોમાં નારાજગી પ્રવર્તી છે.