રાજકોટ, તા.28 : સોશ્યલ મીડિયામાં ધોરાજી મેમણ જમાતના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હમીદભાઈ હારુનભાઈ ગોડીલ(ઉ.વ.63, રહે. બહારપુરા, રબ્બાનીનગર, ધોરાજી)એ પોતાની બદનામી થાય તેવી પોસ્ટ કરનાર બે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. ધોરાજી પોલીસે જામનગરના અનિશ હાજી યુનુસ કાંગડા અને ધોરાજીના આરીફ સતાર ભેસાણીયા સામે ગુનો દાખલ કર્યો છે. જમાતની ચૂંટણીમાં હાર મળતા પરાસ્ત થયેલા પ્રતિસ્પર્ધીઓ દ્વારા બદનામી કરતી પોસ્ટ કરાયાનો હમીદ ગોડીલનો આક્ષેપ કર્યો છે.
આરોપીઓએ સ્ત્રીના શરીર પર હમીદભાઈનો ચહેરો મુક્યો હતો તેમજ ચીટર, ચોર, ઠગ, ભ્રષ્ટાચારી જેવા અપમાન જનક શબ્દો લખી વોટ્સએપ-ફેસબુકમાં પત્રિકા વાઈરલ કરી હતી. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, આજથી આશરે ત્રણ મહિના પહેલા ધોરાજી મેમણ સમાજની સંસ્થા અંજુમન મેમણ મોટી જમાતની વર્કીંગ બોડી અંગેની સામાન્ય ચૂંટણી યોજાયેલ હોય
જેમાં સમાજના લોકોએ આદર પુર્વક અમારી બોડીના ફેવરમાં વોટીંગ કરી મને પ્રમુખ બનાવેલ અને મારા સામાજીક અને રાજકીય પ્રતિસ્પર્ધીઓને મારા પ્રત્યે રાગદ્વેશ હોય જેથી સમાજમાં ઉતારી પાડવાના બદ ઈરાદાથી મારા અને મારી બોડીના સભ્ય વિરૂદ્ધ સોશ્યલ મિડીયામાં બદનામ છેલ્લા દોઢ બે માસથી અલગ અલગ તારીખ તથા સમયે અપમાનજનક પત્રીકાઓ તેમજ અભદ્ર ટીપ્પણી વાળા લખાણ તેમજ ફોટા ઇડીટીંગ કરી સ્ત્રીઓના શરીર ઉપર મારો ચહેરો લગાવીને ફોટા તથા વિડિયો વાયરે કર્યા હતા.પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા અને વધુ તપાસ કરવા તજવીજ કરી છે.