રાજકોટ, તા.28 : આજથી 50 વર્ષ પહેલાં રમાયેલી મેચમાં કેટલો સ્કોર બન્યો હતો, કેટલી વિકેટ પડી હતી, કયા બેટરે કેટલા રન બનાવ્યા હતા તો કયા બોલરે કેટલી વિકેટ મેળવી હતી તે સહિતની માહિતી જોઈતી હોય તો લોકોને સરળતાથી ગૂગલ સહિતના પ્લેટફોર્મના માધ્યમથી મળી જાય છે. ટેક્નોલોજી એટલી હરણફાળ ભરી રહી છે કે આંગળીના ટેરવે અત્યારે ગમે તે વસ્તુ શોધી શકાય છે. જો કે ક્રિકેટને લગતા અનેક એવા પ્રસંગો, અનેક એવા કિસ્સાઓ છે જે કદાચ લોકોને ગૂગલ પર નહીં બલ્કે આ કિસ્સાઓ-પ્રસંગોને નજીકથી નિહાળનાર-મેળવનાર કોઈ વ્યક્તિ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. આવા જ એક વ્યક્તિ પ્રકાશભાઈ ભટ્ટ છે જેઓ હાલ ઈન્કમટેક્સ આસિસ્ટન્ટ કમિશનરની સાથે આઈપીએલમાં મેચ રેફરી તરીકે મહત્ત્વની જવાબદારીનું વહન કરી રહ્યા છે. હવે તેમણે ક્રિકેટના ‘અનટચ’ 51 જેટલા કિસ્સાઓને આવરી લઈને એક ‘એક્સક્લુઝિવ’ પુસ્તક તૈયાર કર્યું છે જેનું શાનદાર લોન્ચીંગ દિગ્ગજ ક્રિકેટરો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
► બીસીસીઆઈના મેચ રેફરી જવાગલ શ્રીનાથ, બીસીસીઆઈ-સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ, ‘સાંજ સમાચાર’ના યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ, ઈન્કમટેક્સ કમિશનર બી.એલ.મીના, ક્રિકેટર જયદેવ ઉનડકટ, ચેતેશ્વર પુજારા, અમ્પાયર નીતિન મેનન, લેખક-વક્તા ભદ્રાયુ વચ્છરાજાની, નવભારત સાહિત્ય મંદિરના રોનકભાઈ શાહ સહિતનાની ખાસ હાજરી
પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા 17 ઑગસ્ટ-2017થી ‘સાંજ સમાચાર’ના સથવારે ‘ક્રિકેટ ક્લાસિક્સ’ નામની એક કોલમ દર શનિવારે પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે. આ કોલમના અત્યાર સુધીમાં 200થી વધુ આર્ટિકલ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ‘સાંજ સમાચાર’ના બહોળા વાંચકવર્ગને તે ખૂબ જ પસંદ પણ પડી રહ્યા છે. આ 200થી વધુ આર્ટિકલમાંથી પ્રકાશભાઈ ભટ્ટે 51 જેટલા આર્ટિકલની પસંદગી કરીને ‘ક્રિકેટ ક્લાસીક્સ’ બુક તૈયાર કરી છે. ગુજરાતી-અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલી આ બુકનું બીસીસીઆઈના મેચ રેફરી અને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જવાગલ શ્રીનાથ, બીસીસીઆઈ-સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ, ‘સાંજ સમાચાર’ના યુવા એક્ઝિક્યુટિવ-સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કરણભાઈ શાહ, ઈન્કમટેક્સ કમિશનર બી.એલ.મીના, ટીમ ઈન્ડિયા-સૌરાષ્ટ્રના ખેલાડી જયદેવ ઉનકડટ, ચેતેશ્વર પુજારા, આઈસીસીના અમ્પાયર નીતિન મેનન, લેખક-વક્તા ભદ્રાયુ ચ્છરાજાની તેમજ પ્રકાશભાઈ ભટ્ટના પરિવારજનો તેમજ મીત્ર-વર્તુળની ઉપસ્થિતિમાં લોન્ચીંગ કરવામાં આવ્યું છે.
► ‘સાંજ સમાચાર’માં 2017થી દર શનિવારે પ્રકાશ ભટ્ટની કોલમ ‘ક્રિકેટ કલાસીકસ’ પ્રસિધ્ધ થાય છે : અત્યાર સુધીમાં 225થી વધુ આર્ટીકલ પ્રકાશભાઇએ લખ્યા છે કે જેઓ ના તો ગુગલ કે અન્ય કોઇ પ્લેટફોર્મ પર વાંચવા મળે : પ્રકાશભાઇએ ક્રિકેટ જગતની અદ્ભુત અવિસ્મરણીય અને અનટોલ્ડ પ્રસંગો ક્રિકેટ કલાસીકસ પુસ્તકમાં સમાવેશ કર્યા છે : ‘સાંજ સમાચાર’ તથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા એકસાથે બે ભાષા ગુજરાતી તથા ઇંગ્લીશમાં લોન્ચ કર્યુ.
આ કાર્યક્રમનો પ્રારંભ અમેરિકામાં સ્થાયી થયેલા પૂર્વ ભારતીય ક્રિકેટર એવા અશોકભાઈ પટેલના મેસેજ વાંચનથી કરવામાં આવ્યો હતો. અમેરિકાથી અશોકભાઈ પટેલે લખ્યું કે "મારો ભાઈ પ્રકાશ ભટ્ટ, તું હંમેશા મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો છે તે આજે સાબિત થઈ ગયું છે. રણજી મેચથી શરૂઆત કર્યા બાદ એનસીએ સુધીની સફર ખેડ્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે તમારી કામગીરી ખૂબ જ ઉમદા રહી છે. તમે 200થી વધુ મેચમાં રેફરી તરીકે જવાબદારી ઉપાડી છે અને એટલા જ લેખ લખ્યા છે ત્યારે આજે આ લેખોનું પુસ્તક સ્વરૂપે વિમોચન થઈ રહ્યું છે તે જાણીને ખૂબ જ આનંદ આવી રહ્યો છે...” આ પછી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ પોતાના સંબોધન થકી પ્રકાશભાઈ ભટ્ટની મહેનત-તેમના વિઝનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. અત્યંત શાલીનતાથી યોજાયેલા આ કાર્યક્રમને નિહાળીને જવાગલ શ્રીનાથ, ઈન્કમટેક્સ કમિશનર બી.એલ.મીના સહિતના મહાનુભાવો ખુશખુશાલ થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ તથા તેમના ધર્મપત્ની દિવ્યાબેને ક્રિકેટ ક્લાસિક્સ પુસ્તક પરિવારજનોને અર્પણ કર્યું હતું.
► ક્રિકેટર તરીકે શરૂઆત કર્યા બાદ કેવી રીતે ઈન્કમટેક્સમાં આસિસ્ટન્ટ કમિશનર બન્યા, આઈપીએલ મેચ રેફરી બન્યા પછી પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તે સહિતના મુદ્દે મુક્તમને ચર્ચા કરતાં પ્રકાશ ભટ્ટ: મહાનુભાવોએ પણ સંબોધન કરી પ્રકાશ ભટ્ટની મહેનત-વિઝનને બિરદાવ્યા
આ પ્રસંગે પ્રકાશભાઈના ભાઈ-ભાભી તેમજ દિવ્યાબેનના માતુશ્રીને પુસ્તક અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. પ્રકાશભાઈના ભત્રીજી શૈલી ભટ્ટે તમામનું સ્વાગત કર્યું હતું. શૈલી ભટ્ટ બીબીસી ગુજરાતીમાં જર્નાલિસ્ટ રહી ચૂક્યા છે. આ ક્ષણ ભટ્ટ પરિવાર માટે ખૂબ જ મહત્ત્વની રહી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશ ભટ્ટનું બાળપણ, ક્રિકેટની શરૂઆત ભાવનગરથી થયું છે તેથી તેમના સ્કૂલ-કોલેજના અનેક મીત્રો ભાવનગરથી ખાસ રાજકોટ પધાર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ ડૉ.નિદત્ત બારોટ, મુકેશભાઈ દોશી, પ્રમુખ ભદ્રાયુભાઈ વચ્છરાજાની, હરદેવસિંહ જાડેજાનો પણ આ પુસ્તક પબ્લીશ કરવામાં સુંદર સહયોગ રહ્યો છે. તમામ આમંત્રિતો માટે ખાસ કાઠિયાવાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનું સંચાલન સુનિલ કેટરર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ ભટ્ટના મિત્ર, પૂર્વ ક્રિકેટર અને ભાવનગર યુનિ.ના ગુજરાતી ભવનના પ્રોફેસર મહેન્દ્રસિંહ પરમારે કર્યુ હતું. અત્યંત પારિવારિક માહોલમાં યોજાયેલા પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં આઇસીસીના અમ્પાયર અનિલ ચૌધરી, મદન ગોપાલ, રોહન પંડિત, અનંત પદ્માનાભમ ઉપરાંત રાજકોટના અધિક કલેકટર ડો.કેતન ઠકકર, ઉદ્યોગપતિ યોગેશ પુજારા, સૌરાષ્ટ્રની રણજી ટીમના ધુંઆધાર ખેલાડી પ્રેરક માંકડ, સમર્થ વ્યાસ, પૂર્વ ક્રિકેટરો સુધીર તન્ના, હિતેષ ગોસ્વામી, સાગર જોગીયાણી, યુસુફ બાંભણીયા સહિતના પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો શુભારંભ દિપ પ્રાગટયથી થયા બાદ તમામ મહેમાનોનું ખાદીનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
દૈવત ભટ્ટનું ટ્રાન્સલેશન અદ્ભૂત: તમામે કરેલી પ્રશંસના
પ્રકાશ ભટ્ટે 225થી વધુ લેખ ‘સાંજ સમાચાર’માં દર શનિવારે ‘ક્રિકેટ ક્લાસિક્સ’ નામની કોલમથી પ્રસિદ્ધ કર્યા છે. આ તમામ લેખો ગુજરાતી ભાષામાં છે જ્યારે પુસ્તક પબ્લીશ કરવાની વાત આવી ત્યારે ગુજરાતી તેમજ ઈંગ્લીશ બન્નેમાં લોન્ચ કરવાની ઈચ્છા હતી તેથી પ્રકાશભાઈના પુત્ર દૈવતે અંગ્રેજીમાં ટ્રાન્સલેશનની જવાબદારી સંભાળી અને કાબીલેદાદ અનુવાદ કર્યું. અંગ્રેજી પુસ્તક દેશ-વિદેશમાં અનેક લોકો સુધી પહોંચી રહ્યું છે. સૌ ઉપસ્થિત મહેમાનોએ અંગ્રેજી અનુવાદના વખાણ કર્યા અને દૈવત ભટ્ટને અભિનંદન પાઠવ્યા. દૈવત અમેરિકામાં અભ્યાસ કરતા-કરતા પણ સાહિત્યનું વાંચન કરવાનું ચૂક્યા નથી. ભારત-અમેરિકામાં તેમના ઘેર પુસ્તકોનું વિશાળ કલેક્શન છે.
પ્રકાશે દરેક ક્ષેત્રે પોતાની ક્ષમતા દર્શાવી છે: નિરંજનભાઈ શાહ
સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ક્ષેત્રના વિકાસ માટે સિંહફાળો આપનાર બીસીસીઆઈ-સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહે પુસ્તક વિમોચન વખતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ક્રિકેટર, ઈન્કમટેક્સ ઑફિસર, મેચ રેફરી, કોલમીસ્ટ, લેખક એમ તમામ ક્ષેત્રે પ્રકાશ ભટ્ટે પોતાની ક્ષમતા પૂરવાર કરી છે. ખરેખર તે બહુમુખી પ્રતિભા ધરાવે છે. હું વાંચનનો પહેલાંથી જ શોખીન રહ્યો છું અને વાંચનથી જ તમને દુનિયાભરનું જ્ઞાન મળી રહે છે. અગાઉ જ્યારે ક્રિકેટ વિશષ માહિતી મેળવવાના કોઈ સંશાધનો નહોતા ત્યારે પુસ્તક અને અખબાર માત્ર માધ્યમ હતું કે જેનાથી લોકો ક્રિકેટ વિશે માહિતગાર થતા તેમ જણાવી નિરંજનભાઈએ કહ્યું
કે તેઓ પોતે ડૉન બ્રેડમેન અને તેમના જેવા અન્ય પ્રતિભાશાળી ક્રિકેટરોના પુસ્તકો વાંચી ક્રિકેટ વિશેષ માહિતગાર થયા હતા. અખબારોમાં કોલમો વાચી માહિતી મેળવતા ત્યારે પુસ્તક ક્રિકેટ જગત વિશે જાણકારી મેળવવાનું મજબૂત માધ્યમ બની રહ્યું છે. આગામી પેઢીને પ્રકાશના પુસ્તકથી ભૂતકાળમાં બનેલી ક્રિકેટ જગતની કથાઓ વિશે જાણકારી મળશે. સૌરાષ્ટ્રમાં કોઈએ ક્રિકેટ વિશે પુસ્તક લખ્યું નથી. પ્રકાશનું આ પુસ્તક સૌરાષ્ટ્રા ક્રિકેટ વિષયનું સૌપ્રથમ પુસ્તક છે જેથી પ્રકાશે નવો ઈતિહાસ પણ રચ્યો છે. ઈન્કમટેક્સ ઑફિસર તરીકે કામ કરવું અને પુસ્તક પણ લખી કાઢવું આટલી જવાબદારી વચ્ચે આ સહેલું નહોતું છતા પ્રકાશે કરીને બતાવ્યું છે.
આ પુસ્તક ગ્રાઉન્ડ અંદર-ગ્રાઉન્ડ બહાર બનેલી ઘટનાનું ‘સ્મરણ’ છે: ભદ્રાયુ વચ્છરાજાની
લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ ચાન્સેલર તેમજ લેખક-વક્તા ભદ્રાયુભાઈ વચ્છરાજાનીએ પુસ્તક વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ પુસ્તક ગ્રાઉન્ડની અંદર અને ગ્રાઉન્ડ બહાર બનેલી ઘટનાનું ‘સ્મરણ’ છે. ક્રિકેટ જગતમાં બનેલી સત્ય કથાઓ તેમાં છે એટલે જ ‘હૃદયસ્પર્શી કથાઓ’ તેવું નામ અપાયું છે. પ્રકાશે ‘સાંજ સમાચાર’માં કોલમ રૂપે લખ્યું અને પછી તેમના લેખો પુસ્તકના રૂપમાં આવ્યા છે. લોકોની વાંચન ક્ષમતા ઘટી રહી છે તેવા સમયે જ પ્રકાશે આ બુક લખી લોકોને વાંચન માટે પ્રેરણા આપી છે.
સૌરાષ્ટ્રનું ક્રિકેટ તેના સુવર્ણયુગમાં છે: કરણભાઈ શાહ
પુસ્તક વિમોચન પ્રસંગે ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ શ્રી કરણભાઈ શાહે ક્રિકેટ જગત વિશે તલસ્પર્શી પ્રવચન આપતા કહ્યું હતુંકે સૌરાષ્ટ્રનું ક્રિકેટ તેના સુવર્ણયુગમાં છે તેમણે સૌરાષ્ટ્રનાં લિજેન્ડ ક્રિકેટરોના યોગદાનને બિરદાવ્યું હતું. જુનિયર ક્રિકેટરો તેમજ રણજી ટ્રોફી રમનાર અને ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ ખેલાડીઓનાં યોગદાનને પણ બિરદાવ્યુ હતું. ઉપરાંત તેમણે જણાવેલ કે 1972 થી શ્રી નિરંજનભાઈ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં સેવા આપી રહ્યા છે. તેમની આ ક્રિકેટ પ્રત્યેના સેવાયજ્ઞને 50 વર્ષ પૂર્ણ થયા છે.
આ સાંભળી કાર્યક્રમમાં હાજર સૌ કોઈ મહાનુભાવોએ બેઠક પરથી ઉભા થઈને તાલીઓનાં ગડગડાટ સાથે શ્રી નિરંજનભાઈ શાહના યોગદાનને સન્માન આપ્યુ હતું. શ્રી કરણભાઈએ વધુમાં જણાવેલ કે ભારતમાં અત્યાર સુધીમાં માત્ર 12 ક્રિકેટર જ એવા છે જેણે 100 ટેસ્ટ મેચ રમી છે ત્યારે ચેતેશ્વર પુજારાએ 98 ટેસ્ટ મેચ રમી આગામી સમયમાં 100 ટેસ્ટ મેચ પુરા કરશે. આમ તેણે રાજકોટનું ગૌરવ વધાર્યું છે. મંચ પર હાજર યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટની ઉપલબ્ધી અંગે જણાવી કરણભાઈએ કહ્યું કે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં જીત અપાવી હવે ઉનડકટ બાંગ્લાદેશ સામેનાં ભારતીય ટીમ તરફથી રમશે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
હાલમાં સૌરાષ્ટ્રના ક્રિકેટરોને ઉચ્ચતમ ઈન્ફ્રાસ્ટ્રકચર અને તમામ સુવિધા આપવા બદલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં પ્રમુખ જયદેવ શાહનો આભાર માની તેમના યોગદાનને પણ વખાણ્યું હતું. ક્રિકેટ કલાસીકસ અંગે કરણભાઈએ કહ્યું કે, તેમણે ઓસ્ટ્રેલીયાનાં ઓફ પોડકાસ્ટમાં પ્રકાશભાઈ ભટ્ટને ક્રિકેટ વિશે બોલતા સાંભળ્યા જે પછી તેમણે ભટ્ટજીને ક્રિકેટ વિશે લખવા માટે અનુરોધ કર્યો, અને ઓગસ્ટ 2017 થી ‘સાંજ સમાચાર’માં કોલમ ‘ક્રિકેટ કલાસીકસ’શરૂ થઈ.જેના 51 લેખો આ પુસ્તકમાં લેવાયા છે. પુસ્તકમાં સ્થાનિક ક્રિકેટ, ભારતીય ક્રિકેટ અને આંતર રાષ્ટ્રીય ક્રિકેટનાં પ્રસંગોની વાત છે. ગુગલ પર કે અન્ય કોઈ જગ્યાએ વાંચવા નહિં મળે
તેવી કથાઓ આ પુસ્તકમાં છે.ભટ્ટજી ક્રિકેટર છે અને ક્રિકેટરના એક નહિં બે પરિવાર હોય છે. એક ઘરનો પરિવાર અને બીજો ક્રિકેટનો પરિવાર મેચ ગમે ત્યાં અને ગમે તે સમયે હોય જેથી ઘણા તહેવારોની ઉજવણી ક્રિકેટરો ટીમ સાથે જ કરતા હોય છે.જેથી આ પુસ્તકમાં પ્રકાશભાઈએ ક્રિકેટ પરિવારની ખાટી-મીઠી, સુખ-દુ:ખની વાતો વર્ણવી છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા આ પુસ્તકનું પબ્લીકેશન થયુ છે. પુસ્તકની લખાણની શૈલી એવી છે કે જેને ક્રિકેટ પ્રત્યે કોઈ રસ નહિં હોય પણ આ પુસ્તક તેને પણ રસતરબોળ કરી દેશે. પુસ્તકમાં શ્રી નિરંજનભાઈ શાહ, સચીન તેંડુલકર, જવગલ શ્રીનાથ સહીતના મહાનુભાવોએ પોતાના પ્રતિભાવો લખ્યા છે. અંતે પ્રકાશભાઈ ભટ્ટ અવિરત લખ્યા રાખે અને તેઓ ઈન્કમટેકસના કમિશ્નર તરીકે પ્રમોશન મેળવે તેવી શુભેચ્છા કરણભાઈ શાહે પાઠવી હતી.
આ પુસ્તક ક્રિકેટ જગતની ન્યુ જનરેશનને એજ્યુકેટ કરશે: ચેતેશ્વર પુજારા
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પ્રકાશ ભટ્ટના પુસ્તકના વિમોચન પ્રસંગને સંબોધન કરતાં જણાવ્યું કે ક્રિકેટ ક્ષેત્રમાં તેમના એજ્યુકેશન વિશે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મટીરિયલ્સ ઉપલબ્ધ નથી. આવું એજ્યુકેશન સાઉથ ઈન્ડિયામાં વધુ છે જેથી ક્રિકેટમાં દક્ષિણ ભારતના લોકોનો ફાળો જોઈ શકાય છે. પ્રકાશ ભટ્ટ લિખિત આ પુસ્તક ક્રિકેટ જગતની ન્યુ જનરેશનને એજ્યુકેટ કરશે સાથે સાથે એટલું જ ઉપયોગી પણ બનશે.
પ્રકાશ ભટ્ટ એટલે ‘મલ્ટી ટેલેન્ટેડ મેન’: જયદેવ ઉનડકટ
ક્રિકેટર જયદેવ ઉનડકટે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું કે પ્રકાશ ભટ્ટ ‘મલ્ટી ટેલેન્ટેડ મેન’ છે. ક્રિકેટ ઉપરાંત તેઓ જે ક્ષેત્રમાં ગયા ત્યાં ઉપલબ્ધી મેળવી છે. પુસ્તકનું વિમોચન એ સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ છે. આ પુસ્તકમાં ક્રિકેટ જગતની ઈમોશનલ સ્ટોરી છે. રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી સહિતની વાતો છે. નવી જનરેશનના ક્રિકેટરોને તે ઉપયોગી થશે. તેમાંથી શીખવા મળશે.
પુસ્તકની બીજી એડિશન ઝડપથી છપાય તેવી શુભેચ્છા: જયદેવ શાહ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે પુસ્તક ક્રિકેટ ક્લાસીક્સ વિશષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રકાશજીની કેપ્ટનશિપ હેઠળ જ તેઓ પ્રથમ ક્રિકેટ મેચ રમ્યા હતા. ભટ્ટજીનું ક્રિકેટ પ્રત્યેનું પેશન મેં જોયું છે. તેઓ રણજી રમ્યા છે. અન્ય ક્ષેત્રોમાં ગયા બાદ પણ ક્રિકેટ સાથે જોડાયેલા રહીને યાદગાર ક્ષણોને જોઈ છેઅને જાણી છે. ‘સાંજ સમાચાર’ જેવું પ્લેટફોર્મ મળતા તેમનું લેખન કૌશલ્ય પણ લોકો સમક્ષ આવ્યું. જયદેવભાઈએ પ્રકાશ ભટ્ટને શુભેચ્છા આપી કે તેઓ આ પુસ્તકની બીજી એડિશન પણ લખે.
‘ભગવદ્ ગીતા’ વાંચવાથી મારા જીવનમાં ઘણી બધી હકારાત્મક્તા આવી: પ્રકાશ ભટ્ટ
પુસ્તકના લેખક પ્રકાશ ભટ્ટે કાર્યક્રમ દરમિયાન પોતાના પ્રવચનમાં જણાવ્યું કે અનેક ચડાવ-ઉતાર વચ્ચે ‘ભગવદ્ ગીતા’ વાંચવાથી તેમનામાં હકારાત્મક્તા આવી, ‘ભગવદ્ ગીતા’નું ‘નમો ભક્ત પ્રણેયેશા’ એ સૌથી મજબૂત વાક્ય છે. તેમના પુસ્તકમાં અનેક એવી વાતો છે જે મોટીવેટ કરે છે. તેમણે ક્રિકેટર સુધાકર અધિકારીની વાત કહી જેમાં અધિકારી પોતાના લગ્નના દિવસે પણ મેદાનમાં ક્રિકેટ રમવા આવ્યા હતા અને સદી બનાવી હતી. પ્રકાશ ભટ્ટે કહ્યું કે એવી અનેક ઘટનાઓ છે જેનાથી આપણે કહી શકીએ કે કેટકેટલી નકારાત્મક્તા વચ્ચે પણ માનવતા જીવે છે. પ્રકાશ ભટ્ટના પત્ની દિવ્યાબેન ભટ્ટે ‘ક્રિકેટ ક્લાસીક્સ’ પુસ્તકનું પ્રુફ રીડિંગ કર્યું છે તે વાતનો પ્રકાશ ભટ્ટે ઉલ્લેખ કર્યો હતો. તેમણે યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે મહેનત-લગન સાથે કોશિશ કરતા રહેવું...
પ્રકાશ ભટ્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પરિવર્તનને જ નહીં સમગ્ર ભારતના ક્રિકેટમાં આવેલા પરિવર્તનને પોતાના પુસ્તકમાં આવરી લીધુ : શ્રીનાથ
ઇન્કમ ટેકસ આસી. કમિશ્નર, આઇપીએલ મેચ રેફરી અને લેખક તરીકેનું ઓલરાઉન્ડર પેકેજ બની ગયેલા પ્રકાશ ભટ્ટના પુસ્તક વિમોચન પ્રસંગે સંબોધન કરતા ટીમ ઇન્ડીયાના પૂર્વ ફાસ્ટ બોલર તેમજ બીસીસીઆઇના મેચ રેફરી જવગલ શ્રીનાથે જણાવ્યું હતું કે પ્રકાશ ભટ્ટે પોતાના પુસ્તક ક્રિકેટ કલાસીકસમાં માત્ર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પરિવર્તનને જ નહીં બલ્કે સમગ્ર ભારતના ક્રિકેટમાં આવેલા પરિવર્તનને આવરી લીધુ છે. તેમણે સૌરાષ્ટ્ર ક્રિકેટનો ભારપૂર્વક ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોઇ પણ શહેરમાં ક્રિકેટની પ્રતિભા બહાર લાવવી હોય તો પહેલા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચર હોવું જરૂરી છે
ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ નિરંજનભાઇ શાહના માર્ગદર્શન હેઠળ જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરી બતાવ્યું છે. જેના કારણે ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અત્યારે વિશ્વ ક્રિકેટમાં ડંકો વગાડી રહ્યા છે. એકંદરે સૌરાષ્ટ્ર ક્રિકેટનો અત્યારે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે અને હાલ અહીંના ક્રિકેટરો કર્ણાટકને પણ પાછળ છોડી રહ્યા છે. શ્રીનાથે ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ પોતાની સ્પીચ આપી હતી પરંતુ કરણભાઇ શાહે આપેલી સ્પીચ કાબીલેદાદ રહી છે. જયારે પ્રકાશ ભટ્ટ વિશે બોલતા તેમણે કહ્યું કે ક્રિકેટ રમવાની સાથે ભણવું પણ એટલું જ જરૂરી છે તે વાત પ્રકાશ ભટ્ટે સાબિત કરી બતાવી છે કેમ કે તેઓ ક્રિકેટ રમવાની સાથે સાથે પૂરતા ભણતરને કારણે ઇન્કમ ટેકસના આસીસ્ટન્ટ કમિશનર તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે.