રાજકોટ, તા.28
આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર હતી. જે પરીક્ષાનું પેપર લીક થયાની પોલીસને બાતમી મળતા આજે વહેલી સવારે એક શખ્સની પ્રશ્ન પત્ર સાથે ધરપકડ કરી ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી. જેથી સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, આજે યોજાનાર જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય કરાયો છે. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયેલા ઉમેદવારો બસમાં મફત મુસાફરી કરી શકશે. આ તરફ વિપક્ષે સરકારને આડેહાથ લીધી છે અને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાને ગઢવીએ કહ્યું કે, -પેપર નહીં પણ ભાજપ પર ભરોસો કરતા ઉમેદવારોના કિસ્મત ફૂટ્યા છે.
આ તરફ આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી અને ગુજરાતના વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરતા કહ્યું છે કે, 'તેમને સૂત્રો તરફથી જાણવા મળેલ છે કે, પેપર આંધ્રપ્રદેશથી લાવવમાં આવ્યું હતું. વડોદરામાં ખરીદદાર ભેગા થયા હતા. અને અત્યાર સુધીમાં એટીએસ દ્વારા કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.'
એવી માહિતી મળી રહી છે કે, વડોદરાના ટ્યુશન ક્લાસના ગ્રુપમાં પેપર ફરતું થયું હતું. જે પછી બાતમી મળતા આ કલાસીસના લોકોને ઉમેદવારોને ઉઠાવી લેવાયા છે.
બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ મોટો દાવો કર્યો છે કે, ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું છે. પોલીસ વિભાગે એક શખ્સને ઝડપ્યો છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવા માગતા નથી. તમામ જવાબદાર લોકોને દંડ મળશે. પોલીસે એક શખ્સની ધરપકડ કરતા ખુલાસો થયો છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. ગેરસમજ ન થાય તે માટે પરીક્ષા મોકૂફ કરાઈ છે. સરકારને આ જગ્યા ભરવાની છે, ફરીથી પરીક્ષા યોજાશે. લાયકાત ધરાવે છે તે લોકોની જ ભરતી થશે.
■ પરીક્ષા મોકૂફ રાખ્યા અંગે સત્તાવાર જાહેરાત
પરીક્ષા મોકૂફ કર્યા અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવાયુ છે કે, જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની સર્વે ઉમેદવારઓએ નોંધ લેવી. દરેક ઉમેદવારને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.
■ ઉમેદવારો બસમાં નિઃશુલ્ક જઈ શકશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વધુમાં જણાવાયુ છે કે, ઉમેદવારોના વિશાળ હિતમાં જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા "મોકુફ" કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરોકત પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે, જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશપત્ર (કોલલેટર હોલ ટીકીટ) અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. જેની સર્વે ઉમેદવારઓએ નોધ લેવી. જોકે કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે કે બસ મથકો પર ઉમેદવારો હલ્લાબોલ કરી રહ્યા છે.
■ 2,995 કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની હતી
આજે વર્ગ 3ના જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન હતું. જેમાં ગુજરાતભરમાં કુલ 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષા યોજાવાની હતી. જેમાં 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.
■ વિપક્ષના પ્રહારો
પરીક્ષા પહેલા જ પેપર ફૂટતા આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે, "પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે ! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા પિતા ભરી ભરોસો કરીને 99 થી વધારીને 156 આપી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું ! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું અને એની ન તો વિપક્ષને જાણ હતી કે ન તો મીડિયાને પરંતુ અરવિંદ કેજરીવાલ અને ભગવત માને તે મંત્રીને તુરંત જેલમાં નાખી દીધા હતા ! જ્યાં સુધી ભાજપ પોતાના માથાઓને બચાવશે ત્યાં સુધી પેપર અને ઉમેદવારોની કિસ્મત ફૂટતી રહેશે !"
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, "પરીક્ષા પર ચર્ચા કરવા વાળી સરકાર પરીક્ષાર્થીઓ ના ભવિષ્ય ફૂટવા પર ચૂપ કેમ છે?" યુથ કોંગ્રેસ દ્વારા નિવેદન અપાયું કે, "જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા મોકૂફ થઈ. લાખો વિધાર્થીઓ અને તેમના પરિવારના સભ્યોનો શું વાંક? ભવિષ્યનો શું વાંક? એક જ વાંક ને કે તમારા પર (ભાજપ પર) ભરોસો રાખીને જંગી બહુમતીથી જીતાડ્યા!" હાલ સોશ્યલ મીડિયા ઉપર પણ ઉમેદવારો અને નાગરિકો રોષ પ્રગટ કરી રહ્યા છે. બીજી તરફ સરકારના અધિકારીઓ ઉમેદવારોને પરીક્ષા મોકૂફ થઈ હોવાથી હવે પરીક્ષા કેન્દ્ર ન જવા અપીલ કરી રહ્યા છે.