રાજકોટ, તા.28
આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી, 11 વાગ્યે પરીક્ષા યોજાઈ એ પહેલાં જ વહેલી સવારે જ ગુજરાત એટીએસની ટીમે પરીક્ષાના લીક થયેલા પ્રશ્ન પત્રની નકલ સાથે એક વ્યક્તિને દબોચી લેતા પરીક્ષા લેવાઈ તે પહેલા જ મોકૂફ કરી દેવાઈ હતી. આ સમગ્ર પેપરલીક કાંડમાં 8 પરપ્રાંતીય સહિત 16 આરોપી ધરપકડની ધરપકડ થઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અગાઉ પેપર લીક કર્યાના કેસમાં ઝડપાયેલા શખ્સે જ જુનિયર કલાર્કનું પેપર લીક કર્યું છે. ગુજરાત એટીએસને બાતમી મળી એટલે કૌભાંડ બહાર આવ્યું હતું. આરોપીઓમાં એક કોલેજનો માલિક, કલાસીસ ચલાવતા શખ્સો, કોન્ટ્રાકટર, વિદ્યાર્થીઓ સહિતના આરોપીનો સમાવેશ થાય છે. એટીએસની ટીમે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
■ વડોદરાથી રાત્રે 1.30 વાગ્યે આરોપીને પકડ્યા હતા
ગુજરાત એ.ટી.એસ.માંથી મળેલી માહિતી મુજબ તેમને બાતમી મળતા અગાઉ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવેલ પરિક્ષાના પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સહિત સંડોવાયેલ અન્ય શખ્સો ઉપર વિશેષ વોચ રાખી હતી અને ગુજરાત એ.ટી.એસ.ની અલગ- અલગ ટીમો વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા વિગેરે જિલ્લામાં તેમજ જ્યાં અગાઉ આવા ગુનાઓમાં આરોપીઓ પકડાયા હોય તે જિલ્લામાં અને અમદાવાદ ખાતે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે ગુજરાત એ.ટી.એસ.ને બાતમી હકીકત મળેલ કે, ઓડીશાનો પ્રદીપ નાયક અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સાથે મળી તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) વર્ગ-૩ની પરિક્ષાનું પેપર વડોદરા ખાતે છાત્રોને વેચવાના છે. જેથી સુરત ક્રાઇમ બ્રાંચની વિશેષ મદદ લઈ વડોદરા શહેર ખાતે રેઇડમાં વડોદરા એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી મુખ્ય આરોપી પ્રદીપકુમાર બિજયા નાયક (રહે. ગંજમ, ઓડીસા), કેતનભાઇ બળદેવભાઇ બારોટ (રહે. નાના ચિલોડા, અમદાવાદ) તથા ભાસ્કર ગુલબાચંદ ચૌધરી (રહે. છાણી, વડોદરા, મુળ વતન બિહાર) સહિત અન્ય આરોપીઓને મોડી રાત્રે ૦૧:૩૦ વાગ્યે ઉમેદવારોને પેપર વેંચણી કરતા પહેલા પકડી લીધા હતા. પેપર જુનિયર કલાર્કની પરીક્ષાનું જ હોવાની ખરાઈ કરાઈ હતી.
■ હૈદરાબાદમાં જ્યાં પેપર છપાયા તેના કર્મચારીએ જ પેપર લીક કર્યું
મુખ્ય આરોપી પ્રદીપ નાયકની પ્રાથમીક પૂછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે, તેને આ પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રદ્ધાકર સહદેવ લુહાએ તે હૈદરાબાદ ખાતેની કે.એલ. હાઇ-ટેક પ્રેસ કે જ્યાં તે નોકરી કરે છે ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપ્યા છે. જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કરેલ જેણે આ પેપર તેના સાગરીતો નામે મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર (તમામ રહે. બિહાર) દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા ચેનલ ગોઠવી આપેલ. જે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની પાથ-વે એજ્યુકેશન સર્વિસના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર એગ્ઝામ સેંટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (હાલ રહે. વડોદરા) તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશનના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટ (રહે. વડોદરા)નો સંપર્ક કરેલ. જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયેલ તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તીને પણ સાથે લીધેલ. દરમ્યાન ભાસ્કર તથા કેતન દ્વાર તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ તથા રાજ બારોટને પણ વડોદરા ખાતે બોલાવી લીધેલ. ઉપરોક્ત તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયેલ. જ્યાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત ક્રાઇમ બ્રાંચ તથા વડોદરા એસ.ઓ.જી.ની ટીમોને સાથે રાખી પ્રમુખ બજાર, આતલદરા, વડોદરા ખાતેની ઓફીસ ઉપર રેઇડ કરી આ તમામ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડેલ છે, જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે આઇપીસી કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ તથા ૧૨૦(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.