પાન-ફાકીનો ડૂચો મારીને ક્યારેય રમતો ન રમો; ઉજાગરો હોય તો ‘પરાણે’ જાગીને રમવાથી થશે મોટું નુકસાન

30 January 2023 04:14 PM
Rajkot Health
  • પાન-ફાકીનો ડૂચો મારીને ક્યારેય રમતો ન રમો; ઉજાગરો હોય તો ‘પરાણે’ જાગીને રમવાથી થશે મોટું નુકસાન

► ક્રિકેટ-ફૂટબોલ રમતાં રમતાં બે દિવસની અંદર બબ્બે યુવકોના મૃત્યુ થતાં તબીબોની મહત્ત્વપૂર્ણ ચેતવણી

► જો રમતી વખતે વધુ પડતી હાંફ ચડે તો તુરંત જ ગેમમાંથી ‘આઉટ’ થવું હિતાવહ અન્યથા દોડ્યે રાખવાથી હાર્ટ ઉપર પડશે ગંભીર અસર: રમતી વખતે સમયાંતરે પાણી પીધે રાખવું જરૂરી: રેગ્યુલર જીમ કરતાં લોકો પણ પૂરતું ધ્યાન આપશે તો મળશે ફાયદો

► કડકડતી ઠંડી વચ્ચે પહેલાં શરીરને ‘ગરમ’ કરો પછી જ રમવાનું રાખો નહીંતર સહન ન કરી શકાય તેવી મળશે ‘પીડા’: ધુમ્રપાન, તમાકુ-દારૂનું બંધાણ નુકસાની સિવાય કશું જ આપતું નથી: જો આ પ્રકારના વ્યસન હોય તો પહેલાં તેનો ત્યાગ કરો પછી જ જીમ-ક્રિકેટ-ફૂટબોલ સહિતમાં ઝંપલાવો

► પરિવારમાં કોઈને હાર્ટ પ્રોબ્લેમ હોય તો પહેલાં પોતાનું સ્ક્રીનિંગ કરાવી લેવું જરૂરી: અત્યારે ક્રિકેટ-ફૂટબોલ રમતાં કે જીમ કરતા અનેક લોકો એવા જેઓ શારીરિક ફિટ દેખાતા હોય છે પરંતુ અંદર શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ રાખતા હોતા નથી

રાજકોટ,તા.30
અત્યારના ભાગદોડભર્યા જીવનને કારણે લોકોમાં કસરત કરવાનું પ્રમાણ સદંતર ઓછું થઈ જવા પામ્યું છે જેના પરિણામે સ્થૂળતા, પેટના રોગ, સાંધા જકડાઈ જવા સહિતની સમસ્યાઓ નિર્માણ થઈ રહી છે. બીજી બાજુ વધુ પડતી કસરત અને ભાગદોડ પણ ઘણું બધું નુકસાન પહોંચાડી રહ્યાના દાખલા સામે આવી રહ્યા છે. આવા જ બે કિસ્સા બે દિવસની અંદર રાજકોટમાં બની ગયા છે જેમાં ગઈકાલે ક્રિકેટ રમી રહેલો યુવક હાર્ટએટેકને કારણે મૃત્યુ પામ્યો તો મારવાડી કોલેજમાં અભ્યાસ કરતાં 22 વર્ષીય વિદ્યાર્થીનું પણ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થતાં પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો છે.

બીજી બાજુ આ યુવકોના મોત થવા પાછળ હાર્ટએટેકને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુ પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. જો કે તબીબો રેગ્યુલર ક્રિકેટ-ફૂટબોલ સહિતની રમતો રમતા અને જીમમાં જઈને કસરત કરતા લોકોને મહત્ત્વપૂર્ણ સલાહની સાથે સાથે ચેતવણી પણ આપી રહ્યા છે.

શહેરના જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડૉ.અભિષેક રાવલે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે શિયાળાને કારણે અત્યારે લોકો શારીરિક ફિટ રહેવા માટે અલગ-અલગ પ્રકારની કસરત કરે છે. ખાસ કરીને અત્યારે યુવાનોમાં ક્રિકેટ અને ફૂટબોલની રમત ખાસ્સી પ્રિય છે અને વહેલી સવારથી લોકો અલગ-અલગ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ-ફૂટબોલ-હૉકી રમતાં જોવા મળતાં હોય છે. જો કે અનેક યુવકો એવા હોય છે જેઓ પાન-ફાકીનો ડૂબો મારીને રમતાં જોવા મળતા હોય છે.

આ વસ્તુ હાર્ટએટેક માટે મુખ્યત્વે જવાબદાર ગણી શકાય કેમ કે તમાકુના સતત સેવનથી હાર્ટ ઉપર ગંભીર નુકસાન પહોંચે છે. આ ઉપરાંત અનેક યુવકો એવા પણ છે જેઓ રાત્રે મોડે સુધી જાગતાં હોય છે છતાં પૂરી ઉંઘ લેવાને બદલે વહેલી સવારે ‘પરાણે’ જાગીને રમવા માટે પહોંચી જતા હોય છે. આમ પૂરતો આરામ ન મળી શકવાને કારણે શરીર ઝડપથી થાકી જાય છે પરિણામે તેનું મોટું નુકસાન વેઠવું પડતું હોય છે.

ડૉ.રાવલે એમ પણ જણાવ્યું કે, ઘણા યુવાનોમાં રમતનું ઝનૂન એટલું હોય છે કે તેઓ પોતાની શારીરિક સમસ્યાઓ ભૂલી જતાં હોય છે. ખાસ કરીને અનેક યુવકો એવા પણ જોવા મળે છે જેઓ રીતસરના હાંફતાં હોવા છતાં રમવાનું છોડતા નથી જે હાર્ટએટેક માટે સૌથી મોટું જવાબદાર પરિબળ છે કેમ કે એક સમય પછી ધબકારા વધી-ઘટી જવાને કારણે હાર્ટએટેક આવવાની શક્યતા વધી જાય છે. જો વધુ પડતી હાંફ ચડે તો તાત્કાલિક ગેમમાંથી ‘આઉટ’ થઈ જવું હિતાવહ છે.

આ ઉપરાંત રમતી વખતે સમયાંતરે પાણી પીધે રાખવું જરૂરી બની જાય છે. આ વસ્તુ રેગ્યુલર જીમમાં જઈને કસરતા કરતાં લોકોને પણ લાગુ પડે છે. જો તેઓ પણ આ દિશામાં પૂરતું ધ્યાન કેન્દ્રીત કરશે તો તેમને નુકસાન થવાની શક્યતા જ નહીં રહે અને ફાયદો હી ફાયદો જ મળશે. જ્યારે પણ કોઈ યુવાન પાન-ફાકી-સિગરેટ-પાનમસાલાનું સેવન કરીને કે તેનું સેવન કરતાં કરતાં કોઈ કસરત કરે છે ત્યારે તે કસરતનો ફાયદો ઓછો અને નુકસાન વધુ જ થાય છે.

યુવાનોમાં અત્યારે ક્રિકેટ-ફૂટબોલ-હૉકી સહિતની રમતનું ગાંડપણ ઘણું જોવા મળી રહ્યું છે ત્યારે તેમણે હાર્ટએટેક સહિતની સમસ્યાથી બચવા માટે પહેલાં પોતાના શરીરને ગરમ કરવું મતલબ કે વૉર્મઅપ કરવું જરૂરી છે. જો આમ કર્યા વગર જ રમવાનું શરૂ કરી દેવામાં આવશે તો સહન નહીં થાય તેવી પીડા મળી શકે છે ! ધુમ્રપાન, તમાકુ-દારૂનું બંધાણ નુકસાની સિવાય કશું જ આપતું નથી તેવી ભારપૂર્વક વાત પણ તબીબો જણાવી રહ્યા છે. જો આ પ્રકારના વ્યસન હોય તો પહેલાં તેનો ત્યાગ કરીને પછી જ રમતોમાં ઝંપલાવવું જોઈએ.

આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એ પણ તબીબો જણાવી રહ્યા છે કે પરિવારમાં કોઈને હાર્ટ પ્રોબ્લેમ હોય તો પહેલાં પોતાનું સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ. અત્યારે ક્રિકેટ સહિતની રમતો રમતા કે જીમમાં જતાં અનેક લોકો એવા હોય છે જેઓ શારીરિક રીતે ફિટ દેખાતા હોય છે પરંતુ અંદર શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ રાખતા હોતા નથી જેનું ગંભીર પરિણામ આવી શકે છે.

જીમ માટે 45 મિનિટ વ્યાજબી; ક્રિકેટ-ફૂટબોલ-હૉકી માટે એકથી દોઢ કલાક જ ફાળવવી જોઈએ
તબીબોએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ જીમ કરે છે ત્યારે તેણે સમયની પરવા કર્યા વગર કસરત કરવાનું ટાળવું જોઈએ કેમ કે કસરત માટે 45 મિનિટને વ્યાજબી ગણી શકાય. આ ઉપરાંત ક્રિકેટ, ફૂટબોલ, હૉકી સહિતની રમતો માટે એકથી દોઢ કલાક ફાળવવામાં આવે તો તેનો ફાયદો વધુ મળે છે. જો આનાથી વધુ સમય લેવામાં આવે તો સ્નાયુ ખેંચાઈ જવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત જીમમાં કસરત માટે સવારનો સમય વધુ સારો ગણી શકાય...

કોલ્ડવેવને કારણે અત્યારે હાર્ટએટેકની સંખ્યામાં 40%નો ચિંતાજનક વધારો
તબીબો જણાવી રહ્યા છે કે કોલ્ડવેવને કારણે પાછલા વર્ષોની તુલનાએ આ વર્ષે હાર્ટએટેકની સંખ્યામાં 40% જેટલો ચિંતાજનક વધારો નોંધાયો છે. આ સિઝનમાં વયોવૃદ્ધો ઉપર હાર્ટએટેકનું જોખમ રહેતું જ હોય છે પરંતુ આ વખતે યુવાનોમાં હાર્ટએટેક આવવાની સમસ્યા વધુ ઘેરી બની રહી છે તેના માટે અનિયમિત લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડનું સેવન મુખ્યત્વે જવાબદાર છે.

ગેસ્ટ્રીક પ્રોબ્લેમ હોય તો કસરત-રમવાનું ટાળો
તબીબોએ એમ પણ ઉમેર્યું કે અત્યારની ભાગદોડભરી જિંદગી તેમજ અનહેલ્ધી ફૂડના સેવનને કારણે મોટાભાગના લોકોને ગેસ્ટ્રીક પ્રોબ્લેમ હોય છે ત્યારે આ પ્રકારની તકલીફ જણાય એટલે તેમણે કસરત તેમજ રમવાનું ટાળવું જોઈએ. ઘણા કિસ્સાઓમાં ગેસને કારણે પણ હાર્ટએટેક આવી ગયાના કિસ્સા નોંધાયા છે એટલા માટે પહેલાં પેટના રોગને ઠીક કરવા જોઈએ પછી જ કસરત કે વિવિધ રમતો રમવી જોઈએ.


Related News

Advertisement
Advertisement
Advertisement