નવીદિલ્હી, તા.31
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સતત મંદિર અને આશ્રમમાં દર્શન માટે જઈ રહ્યા છે. શ્રીલંકા વિરુદ્ધ વન-ડે શ્રેણી પહેલાં તે વૃંદાવન ગયા હતા. તેના પહેલાં પત્ની અનુષ્કા સાથે નૈનીતાલના એક મંદિરમાં પણ ગયા હતા.
હવે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલાં કોહલી પત્ની સાથે ઋષિકેશ સાથે પહોંચી ગયા છે. ત્યાં આ યુગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુના આશ્રમની મુલાકાત લીધી હતી.
ટીમ ઈન્ડિયા અત્યારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી રમી રહી છે. કોહલીને આ શ્રેણીમાં આરામ અપાયો છે જેનો ફાયદો ઉઠાવતાં તે ઋષિકેશ સ્થિત દયાનંદગિરિ આશ્રમ પહોંચ્યા છે. અહીં તેની સાથે પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા પણ છે. સ્વાદી દયાનંદ ગિરિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ગુરુ છે.
અહેવાલોની માનીયે તો કોહલી-અનુષ્કા અહીં ધાર્મિક અનુષ્ઠાન માટે પહોંચ્યા છે. કોહલીએ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. આશ્રમના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે અહીં પહોંચીને કોહલીએ બ્રહ્મલીન દયાનંદ સરસ્વતીની સમાધિનાં પણ દર્શન કર્યાં હતા.
બન્નેએ અંદાજે 20 મિનિટ સુધી અહીં ધ્યાન ધર્યું હતું. આ બન્નેના ફોટો અત્યારે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. કોહલી આજે સાંજ સુધી અહીં રોકાશે અને અહીં ભંડારાનું પણ આયોજન કરાવવાના છે.