ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય

31 January 2023 11:04 AM
Rajkot
  • ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય
  • ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય
  • ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય
  • ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય
  • ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય
  • ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય
  • ગેલેક્સી સિનેમાની જગ્યા પર આખરે બનશે શું ? પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે નિર્ણય

► અત્યારે ત્યાં શું બનવાનું છે તેની ખબર અમારા કરતાં લોકોને વધુ પડી રહી છે !!

► જ્યારથી ગેલેક્સી સિનેમા તોડવાનું શરૂ થયું ત્યારથી લઈ આજ સુધીમાં ત્યાં ફલાણું બનશે, ત્યાં ઢીકણું બનશે તેવી વાતો ઉપર ખુદ માલિક રશ્મિકાંતભાઈએ જ મુક્યું પૂર્ણવિરામ

► મારી ઇચ્છા છે કે અહીં આધુનિક મલ્ટીપ્લેકસ બને પરંતુ આ પ્રોજેકટમાં પણ પરિવાર સંયુકત રીતે નિર્ણય કરશે

► 3000 સ્કવેર મીટર જગ્યા ઉપર જે પણ બનશે તે લોકોને ગમશે: બે વર્ષની અંદર ત્યાં જે પણ બનવાનું છે તે તૈયાર થઈ જશે...જસ્ટ વેઈટ એન્ડ વૉચ...!

રાજકોટ, તા.31
પોતાનો એક સુવર્ણ ઈતિહાસ ધરાવતું ગેલેક્સી સિનેમા 54 વર્ષ સુધી અડીખમ બનીને ચાલ્યા બાદ આખરે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યારે લગભગ આખું થિયેટર તૂટીને ત્યાં મેદાન થવાની અણી પર છે. જો કે આ થિયેટર તૂટવાનું શરૂ થયું ત્યારથી લઈને આજ સુધીમાં તરેહ...તરેહની ચર્ચાઓ, અટકળોની આંધી પણ ફૂંકાઈ રહી છે ત્યારે ‘સાંજ સમાચાર’ના મહેમાન બનેલા ગેલેક્સી સિનેમાના માલિક રશ્મીકાંતભાઈ ભાલોડિયાએ પોતે જ પૂર્ણવિરામ મુકતાં કહ્યું કે ગેલેક્સી સિનેમાની જગ્યા ઉપર શું બનાવવું તેના માટે અત્યારે પારિવારિક ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ બધું ફાઈનલ થયા બાદ આ અંગેનો નિર્ણય લેવાઈ જશે.

રશ્મીકાંતભાઈએ જણાવ્યું કે ગેલેક્સી સિનેમા 3000 સ્કવેર મીટર જગ્યામાં પથરાયેલું હતું. તેને તોડવાનું શરૂ કરવામાં આવ્યા બાદ ત્યાં શું બનાવવું જોઈએ તેને લઈને પરિવારના લોકોની સલાહ લેવાઈ રહી છે. જો કે હજુ સુધી કશું જ નક્કી થયું ન હોવાથી હું અત્યારે ત્યાં શું બનશે તેનો સચોટ જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી પરંતુ એટલું જરૂર કહીશ કે ત્યાં જે પણ બનવાનું છે તે વધુમાં વધુ બે વર્ષની અંદર બનીને તૈયાર થઈ જશે.

તેમણે મજાક મજાકમાં એમ પણ કહ્યું હતું કે, ત્યાં શું બનવાનું છે તેની ચિંતા અત્યારે કદાચ અમારા કરતાં અન્ય લોકોને વધુ થઈ રહી છે !! જો કે આ તમામ અટકળો અને ચર્ચાઓનો જવાબ ટૂંક સમયમાં સૌને મળી જશે. અહીં શું બનાવવું તેનો નિર્ણય હું એકલો ન લઈ શકું અને એકલા હાથે નિર્ણય લેવાની પરંપરા અમારા પરિવારમાં છે પણ નહીં, એટલા માટે અમે સૌ સાથે મળીને જ આ જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો નિર્ણય લેશું. અત્યારે મારો પુત્ર લંડન તો પુત્રી ઑસ્ટીનમાં રહે છે અને તેમનો પણ મને પૂરો સહયોગ છે આમ છતાં પરિવારની સલાહ લઈને જ હું અત્યારે આ દિશામાં આગળ વધી રહ્યો છું તેવું પણ અંતમાં તેમણે ઉમેર્યું હતું.

બહુ કહેવાય ! લાખો લોકોને ફિલ્મ બતાવનારા રશ્મિકાંતભાઈ ભાલોડિયાને થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાનો જરાય શોખ નથી
રશ્મીકાંતભાઈએ જણાવ્યું કે તેમના ગેલેક્સી સિનેમામાં અત્યાર સુધીમાં લાખો લોકોએ હજારો ફિલ્મો જોઈ લીધી હશે પરંતુ તેમને ક્યારેય થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાનો બિલકુલ શોખ નથી. તેઓ ગમે તેવી મોટા કે નાના બેનરની ફિલ્મ લાગે તેને થિયેટરમાં બેસીને કે ટીવી પર જોતા હોતા નથી. અમુક અમુકવાર તેઓ ફિલ્મ પ્રોડયુસરો સાથે મીત્રતા હોવાને કારણે તેમની ફિલ્મો જોઈ લેતા હતા પરંતુ નવી ફિલ્મ આવે એટલે જોવી જ તેવું તેમણે ક્યારેય કર્યું નથી.

ગેલેક્સી સિનેમાના અદ્ભૂત સંચાલનની સાથે સાથે દોડવામાં પણ રશ્મિકાંતભાઈ અવ્વલ !
રશ્મીકાંતભાઈ ભાલોડિયા ગેલેક્સી સિનેમાના અદ્ભુત સંચાલન માટે આખા ગુજરાતમાં જાણીતા છે સાથે સાથે તેઓ દોડવામાં પણ એટલા જ માહેર છે. તેમણે અત્યાર સુધીમાં આઠ જેટલી મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે જેમાં ત્રણ મેરેથોન તેમણે રાજકોટમાં દોડી છે તો ત્રણ હાફ અને એક ફુલ મેરેથોન તેમણે મુંબઈમાં દોડી છે. આ ઉપરાંત એક મેરેથોન અંતર્ગત તેમણે ગોવામાં ભાગ લીધો હતો તો અમદાવાદમાં 36 કિલોમીટરની મેરેથોન તેઓ દોડ્યા હતા.

ગજબ: પોતાના જ થિયેટરમાં ટિકિટ ખરીદીને ફિલ્મ જોઈ !
રશ્મીકાંતભાઈએ એક ઉદાહરણ ટાંકતાં જણાવ્યું કે ફિલ્મ ડાયરેક્ટર સુરજ બડજાત્યા સાથે તેમને આત્મીયતાનો નાતો હોવાથી તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે તેમની ફિલ્મ ‘વિવાહ’ કે જેમાં શાહિદ કપૂર-અમૃતા રાવે અભિનય આપ્યો હતો તે જોઈને તેનો રિવ્યું જણાવો...આ ફિલ્મ ગેલેક્સી સિનેમામાં ચાલી રહી હતી પરંતુ મેં તેને જોવા માટે ટિકિટ ખરીદી હતી અને પછી જ સીટ ઉપર બેઠો હતો ! એકંદરે ગેલેક્સી સિનેમામાં નિ:શુલ્ક ફિલ્મ પરિવારના પણ કોઈ લોકો જોઈ શકતા નહોતા તેવો એક નિયમ બનાવવામાં આવ્યો હતો જેનું છેવટ સુધી સૌએ પાલન કર્યું છે.

કોઈને ફિલ્મ ન ગમી હોય’ને પૈસા પરત આપનારું ગેલેક્સી સિનેમા પહેલું !
સામાન્ય રીતે કોઈને ફિલ્મ પસંદ ન પડે તો તે ફિલ્મરસિક થિયેટરનો વાંક કાઢીને પોતે ખર્ચેલા ટિકિટના પૈસા પરત માંગી શકતો હોતો નથી અને પૈસા પરત આપવાનો કાયદો પણ ક્યાંય અમલમાં નથી આમ છતાં ગેલેક્સી સિનેમા એવું પહેલું થિયેટર છે જેણે દર્શકોને કોઈ ફિલ્મ ન ગમી હોવાથી પૈસા પરત આપ્યા હતા ! આ ફિલ્મ ‘ચાર્લી ચેપ્લીન ફિલ્મ ફેસ્ટીવલ’ અંતર્ગત મોર્ડન ટાઈમ નામની રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં ચાર્લી ચેપ્લીનને બતાવવામાં આવ્યો તે ચાર્લી ચેપ્લીન છે જ નહીં અને તે આટલો બૂઢો હોઈ જ શકે નહીં તેવું કહીને દર્શકોએ હોબાળો મચાવતાં તાત્કાલિક તેમને ટિકિટના પૈસા પરત આપીને એક દાખલો બેસાડવામાં આવ્યો હતો.

સુનિતા ઈઝ માય વાઈફ...ગેલેક્સી ઈઝ માય લાઈફ: ટિકિટ ફાડવાથી લઈ પોસ્ટર લગાવવાનું કામ પણ કર્યું છે
રશ્મીકાંતભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે ગેલેક્સી સિનેમા એ મારી જિંદગી છે. જેવી રીતે સુનિતા મારા ધર્મપત્ની છે એવી જ રીતે ગેલેક્સી એ મારી લાઈફ છે. મેં અહીં ટિકિટ ફાડવાથી લઈ પોસ્ટર લગાવવા સુધીનું કામ કરેલું છે. હું દરરોજ સવારે 10 વાગ્યે અહીં હાજર થઈ જતો અને 12 વાગ્યા સુધી અહીં જ રહેતો હતો.

સિનેમાના તમામ સાધન-સરંજામ મેં જીવની જેમ સાચવીને રાખ્યા છે
ગેલેક્સી સિનેમાને જ્યારે તોડવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે તેની સ્ક્રીન, પ્રોજેક્ટર સહિતનો તમામ કિંમતી સામાન રશ્મીકાંતભાઈએ જીવની જેમ સાચવેલો છે અને તેની નિયમિત માવજત કરી રહ્યા છે. આ બધું તેમણે પોતાના શોખ ખાતર ફાર્મહાઉસમાં જ સાચવીને રાખ્યું છે.

ગેલેકસી સિનેમાનું જેઓએ વર્ષો સુધી અદભુત સંચાલન કર્યુ તેવા શ્રી રશ્મીકાંતભાઇ ભાલોડીયા ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાતે : ‘સાંજ સમાચાર’ પરિવાર સાથે આત્મીયતા ધરાવતા ભાલોડીયા પરિવારના સભ્ય અને મેરેથોન રનર તથા ગેલેકસી સિનેમાનું છેલ્લા પાંચ દાયકાથી અદભુત સંચાલન કર્યુ અને સૌરાષ્ટ્ર-રાજકોટની જનતાને અનેક યાદગાર ફિલ્મોથી મનોરંજન પીરસ્યુ એવા શ્રી રશ્મીકાંતભાઇ ભાલોડીયા ‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવ્યા હતા અને ‘સાંજ સમાચાર’ના તંત્રી શ્રી પ્રદિપભાઇ શાહ તથા એકઝીકયુટીવ એડીટર કરણભાઇ શાહ સાથે ગેલેકસી સિનેમાના ભવ્ય ઇતિહાસ, પૂ.બાપુજી-વાલજીભાઇ ભાલોડીયા, ગેલેકસી ગ્રુપ તથા ભાલોડીયા પરિવાર અંગે અનેક વાતચીત કરી હતી. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement