રાજકોટ, તા. 31
રાજકોટના જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા તથા અગ્રણી પરિવારોમાં જે સ્થાન ધરાવે છે તેવું ભાલોડીયા પરિવાર, ગેલેકસી ગ્રુપનું અલગ અલગ ક્ષેત્રમાં ખુબ જ અમુલ્ય યોગદાન રહ્યું છે. રાજકોટમાં ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, રીયલ એસ્ટેટ પ્રોજેકટ કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ગેલેકસીનું નામ મોખરે રહ્યું છે. ગેલેકસી ગ્રુપના સ્થાપક સ્વ.શ્રી વાલજીભાઇ જગજીવનભાઇ ભાલોડીયા હતા. તેઓને તેમના બંને ભાઇઓ ગોવિંદભાઇ તથા મોહનભાઇનો સાથ મળ્યો એટલે જ તેઓ પાનેલી જેવા નાના ગામથી એડન અને ત્યારબાદ રાજકોટ આવી શકયા હતા.
વાલજીભાઇ ભાલોડીયા આમ તો શિક્ષક હતા તેમણે ઓઇલ મીલમાં કામકાજ કર્યુ હતું. પરંતુ પાનેલીમાં જે વણીક પરિવારને તેઓ ભણાવતા હતા તેઓને એડન જવાનું થયું અને વાલજીભાઇને સાથે આવવાની ઓફર આપવામાં આવી તો તેઓએ તક ઝડપી અને તેઓ એડન ગયા. ઉલ્લેખનીય છે કે એડનમાં વાલજીભાઇએ રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરૂભાઇ અંબાણી સાથે એક જ ઓફિસમાં બેસીને કામ કર્યુ હતું. આ બંનેના શરૂઆતના દિવસો હતા. ત્યારબાદ 50-60ના દાયકામાં વાલજીભાઇ રાજકોટ આવ્યા. સટ્ટાબજારમાં ઓફિસ શરૂ કરી અને રાજકોટ સ્થાયી થયા.
રાજકોટમાં કન્યા કેળવણીનો વ્યાપ વધારવા માટેનો પ્રયાસો શરૂ કર્યા સાથે સાથે એમના ફિલ્મના શોખને રાજકોટમાં વાચા આપી એ સમયે રાજકોટની બહાર ભાગોળે જાજરમાન અભિનેત્રી વિજયાલક્ષ્મી પંડિતની મોટી જમીન હતી. વાલજીભાઇ એમના પરિચિત હતા. વિજયાલક્ષ્મી પંડિતને રાજકોટની જમીન વહેંચવી હતી તેથી તેઓએ વાલજીભાઇને મુંબઇ બોલાવીને કહ્યું આ જમીન તમારા સિવાય મારે કોઇને આપવી નથી અને આ જમીન વાલજીભાઇએ ખરીદી હતી. જમીન ખરીદયા બાદ એમને એવું થયું કે અહીં ટોકીઝ બનાવીને રાજકોટવાસીઓને અનોખી ભેંટ આપુ.
આ સ્થળે 1968માં ભવ્ય ટોકીઝનું નિર્માણ કાર્ય શરૂ થયુ અને દોઢ વર્ષમાં એટલે કે 23 ફેબ્રુઆરી, 1969ના દિવસે ટોકીઝનું ઉદઘાટન થયું. વાલજીભાઇના જયેષ્ઠ પુત્ર રસિકભાઇએ આ થિયેટરનું નામ આપ્યુ ‘ગેલેકસી’. ગેલેકસી ટોકીઝમાં ફિલ્મ જોવા જવી એ એક સ્ટેટસ ગણાતું હતું અને પાંચ દાયકાની ફિલ્મી સફરમાં ગેલેકસીએ ઘણા નવા આયામ સર કર્યા. ગેલેકસી ટોકીઝના સંચાલક રશ્મિકાંતભાઇ ભાલોડીયાએ જણાવ્યું કે બિઝનેસ ચલાવવા માટે જે જરૂરી પાસા જોઇએ તેનો મે ઉપયોગ કર્યો અને મારા પરિવારે મને સાથ આપ્યો. પરિવારજનો, ભાગીદારો, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરો, પ્રોડયુસર અને સ્ટાફ આ બધાનો સહકાર જરૂરી છે. જે તેમને પહેલેથી મળતો આવ્યો છે.
મારા ફેમીલીમાંથી મને છુટ્ટો દૌર મળ્યો એટલે જ મે ગેલેકસીમાં અનેક પ્રકારના પ્રયોગો કર્યા અને તેમાં સફળતા હાંસલ કરી. રશ્મિભાઇએ જણાવ્યું કે માત્ર સિનેમા જ નહીં બિઝનેસમાં બે નિયમ તો હોવા જ જોઇએ. એક તો વ્યકિતને પોતાને ઇગો (અભિમાન) ન આવવું જોઇએ અને નેગેટીવ થીંકીંગ (નકારાત્મક વિચારો) ન હોવા જોઇએ મે હંમેશા પોઝીટીવ થીકીંગ રાખ્યું છે જે હું નાનપણમાં શીખ્યો છું. બીજાની લીટી નાની કરવામાં મેં કયારેય રસ નથી લીધો. રશ્મિભાઇએ સરસ વાત કરી કે કોઇપણ બિઝનેસમાં ટોચ પર પહોંચવું સહેલું છે પરંતુ ત્યાં ટકી રહેવું અઘરૂ છે.
એટલે જ ગેલેકસી હંમેશા નવીન ટેકનોલોજી સાથે આવતું રહ્યું અને ઓટીટી પ્લેટફોર્મ અને મલ્ટીપ્લેકસની દુનિયામાં અવ્વલ રહ્યું. રશ્મિભાઇએ કહ્યું કે પરિવારમાં આટલા સભ્યો હોય તો સ્વભાવિક છે કયારેક અલગ અલગ મંતવ્ય આવે તો ઘરમાં નાની મોટી કલેશ હોય તો પણ ધંધા પર તેની અસર થતી ન હતી. મારા પિતાજીએ અમને જે સંસ્કાર આપ્યા, જે ધંધાદારી શીખવી તેના આધારે અમે ચાલ્યા, મારા પિતાજી ત્રણ ભાઇઓના સંયુકત પરિવારમાં રહેતા, અમે સાત ભાઇઓ પણ જોઇન્ટ ફેમીલીમાં રહીએ છીએ અને હવે અમારા સંતાનો ભલે વિદેશમાં રહે છે પણ આ જ રીતે સંયુકત રીતે રહેવા માંગે છે.
તેઓએ કહ્યું કે, તંદુરસ્ત પરિવાર હોય તો બિઝનેસ પણ તંદુરસ્ત થવાના છે. આજે સાતેય ભાઇઓમાં કોણ કોના પુત્ર છે તે ભાગ્યે જ ખબર હશે પરંતુ સાતેય ભાઇઓ કઝીન થાય છે તેમ છતાં સગા ભાઇઓની જેમ ખભેખભા મિલાવીને કામ કરે છે. રશ્મિભાઇ ગેલેકસી સિનેમા સંભાળતા હતા તો કિરણભાઇ એસએનકે-ધુલેશીયા સહિતની સ્કુલો સંભાળે છે, નવીનભાઇ ફોર્જ એન્ડ ફોર્જ ફેકટરીનું સંચાલન કરે છે, રસિકભાઇનું બે વર્ષ પહેલા અવસાન થયું અને તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી હતા, જયારે રમેશભાઇ અમેરિકામાં સ્થાયી થયા છે, રજનીકાંતભાઇ બિલ્ડીંગ કન્ટ્રકશનનું કામકાજ સંભાળે છે અને રાજેશભાઇ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન તથા પરિવારના ફાયનાશ્યિલ વ્યવહારોની દેખરેખ રાખે છે.
ઝઘડા, વિવાદ વગરના બિઝનેસથી જ ગેલેકસી ગ્રુપને અલગ અલગ ક્ષેત્રમાં આકાશ ગંગા જેવું સ્થાન મળ્યું છે.ગેલેકસી ટોકીઝના પાયાથી રસિકભાઇ, રમેશભાઇ અને રજનીભાઇનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું તેવું રશ્મિકાંતભાઇએ જણાવ્યું હતું. રશ્મિભાઇએ ગુજરાતી કહેવતને એક અલગ જ સ્વરૂપ આપ્યું છે આપણે ત્યાં ગુજરાતી કહેવત છે ‘સંપ ત્યાં જંપ’ એ માને છે કે સંપ ત્યાં jump.
રશ્મિકાંતભાઈના પિતા વાલજીભાઈએ એડેનમાં ધીરુભાઈ અંબાણી સાથે કરેલી છે નોકરી; ત્યાંથી આવીને પાનેલીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી’તી
રશ્મીકાંતભાઈ ભાલોડિયાના પિતા વાલજીભાઈ કે જેમણે આખા પરિવારને ‘તારવી’ દીધો છે તેમની કહાની પણ રસપ્રદ છે. વાલજીભાઈ કે જેઓ પરિવારમાં વાલજીબાપા તરીકે ઓળખાતા હતા તેમણે સૌથી પહેલાં એડેનમાં રિલાયન્સના સર્વેસર્વા સ્વ.ધીરૂભાઈ અંબાણી સાથે એક કંપનીમાં નોકરી કરી હતી. આ પછી તેઓ પરત ઉપલેટાના પાનેલી ગામે આવી ગયા હતા. અહીં તેમણે લોટ દળવાની ઘંટી શરૂ કર્યા બાદ ધીમે ધીમે આગેકૂચ કરીને રાજકોટમાં તેમણે અલગ-અલગ ક્ષેત્રના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું.
આરતી+અમી+સીતા+તક્ષશીલા+તોરલ બિલ્ડિંગ+SNK સ્કૂલ+ ધૂલેશિયા+કણસાગરા+ ફોર્જ એન્ડ ફોર્જ+ ધમસાણીયા કોલેજ=ગેલેક્સી ગ્રુપ
ગેલેક્સી ગ્રુપનું નામ ગેલેક્સી થિયેટરને કારણે જ નહીં બલ્કે અનેક ઉદ્યોગો, સ્કૂલ્સ તેમજ અનેક રહેણાક એપાર્ટમેન્ટસ અને કોમર્શિયલ બિલ્ડિંગ માટે પણ લેવામાં આવે છે. ગેલેક્સી ગ્રુપ્સ દ્વારા સદર તથા આકાશવાણી આજુબાજુના વિસ્તારમાં આરતી, અમી, સીતા, તક્ષશીલા-1, તક્ષશીલા-2 રેસિડેન્શીયલ એપાર્ટમેન્ટ ઉપરાંત તોરલ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એસ.એન.કે. સ્કૂલ ઉપરાંત ધૂલેશિયા, કણસાગરા, ધમસાણીયા કોલેજ પણ ગેલેક્સી ગ્રુપની જ દેન છે.
સ્પાઈસ જેટ એરલાઈન્સ શરૂ કરનારા ભૂપેન્દ્ર કણસાગરા વાલજીભાઈના ભાણેજ
રાજકોટની નામાંકિત એસએનકે સ્કુલ જેમના નામે છે તેઓ શાંતિલાલ નાથાલાલ કણસાગરા સ્વ. શ્રી વાલજીભાઇના બનેવી હતા. નાઇરોબી-કેન્યા ખાતે સ્થાયી થયેલા કણસાગરા પરિવારના સંગાથે રાજકોટમાં એસએનકે સ્કુલની શરૂઆત થઇ હતી. શાંતિભાઇ કણસાગરાના પુત્ર ભુપેન્દ્રભાઇ કણસાગરા કે જેઓ વાલજીભાઇના ભાણેજ થાય તેઓ સ્પાઇસ જેટ એરલાઇન્સના સ્થાપક રહ્યા છે. હવે તેઓ લંડનમાં વસવાટ કરી રહ્યા છે. વાલજીભાઇના બેન 10ર વર્ષની વયે રાજકોટમાં હાલ છે.
65 વર્ષનો અતૂટ સંબંધ : પાનેલીમાં ભાલોડીયા પરિવારના સાત ભાઇઓ વાડીમાં ખારેકની મજા માણતા નજરે પડે છે. આ તસ્વીર 1958-59ની છે. જેમાં રસીકભાઇ, રજનીભાઇ, રમેશભાઇ, રશ્મિકાંતભાઈ, નવીનભાઇ, રાજેશભાઇ અને કિરણભાઇ જોવા મળે છે અને જમણી બાજુની તસ્વીરમાં હાલમાં થોડા વર્ષો પહેલા લીધેલી સેલ્ફી જેમાં રાજેશભાઇ, રશ્મિકાંતભાઈ, નવીનભાઇ, રજનીકાંતભાઇ અને કિરણભાઇ ભાલોડીયા જોવા મળે છે. આ સાથે રસીકભાઇ તથા રમેશભાઇની ફાઇલ ફોટો પણ દ્રશ્યમાન થાય છે.
ભાલોડીયા પરિવાર : જગજીવનભાઇ ભાલોડીયાના ત્રણ સંતાનો : (ડાબેથી જમણે), વાલજીભાઇ તથા હેમકુંવરબેન, ગોવિંદભાઇ તથા દુધીબેન અને મોહનભાઇ તથા સવિતાબેન ભાલોડીયા : ભાલોડીયા પરિવારનો સંપ અને ભાઇઓના સાથ થકી જ એક સામ્રાજય ઉભુ થતું શકય બન્યું છે. આ જ વાત હવે આવનારી પેઢીઓમાં પણ જોવા મળે છે.
પાનેલીમાં વર્ષોથી સરપંચ રહ્યા ભાલોડીયા પરિવારના સભ્યો : સિદસરમાં પણ મોહનભાઇએ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવી
રાજકોટ જિલ્લાના પાનેલીના વતની જગજીવનભાઇ પાનેલીના સરપંચ રહ્યા અને ત્યારબાદ તેમના પુત્રોએ પણ આ પરંપરા જાળવી રાખી વાલજીભાઇ તથા મોહનભાઇ અને ગોવિંદભાઇ પણ સરપંચ રહ્યા. ગોવિંદભાઇ તો તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સરપંચ રહી સેવા કરી હતી. આ ઉપરાંત સિદસર ઉમિયા મંદિરમાં મોહનભાઇ મેનેજીંગ ટ્રસ્ટી રહ્યા.