નવીદિલ્હી, તા.31 : પાકિસ્તાનના અનુભવી ઑલરાઉન્ડર ખેલાડી શોયેબ મલિક 41 વર્ષનો થવા જઈ રહ્યો છે પરંતુ 40 વર્ષ પાર થવા છતાં તે પાકિસ્તાનની ટી-20 ટીમમાં વાપસીની આશા રાખીને બેઠો છે. તેણે તાજેતરમાં જ એવું કહ્યું કે હજુ તે આવનારા અનેક વર્ષો સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં રમી શકે છે. આ સાથે જ તેણે કહ્યું કે ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો તેનો કોઈ ઈરાદો નથી.
મલિક ટેસ્ટ અને વન-ડેમાંથી પહેલાં જ નિવૃત્ત થઈ ચૂક્યો છે. મલિકે બાંગ્લાદેશ પ્રિમીયર લીગની એક મેચ બાદ કહ્યું કે મારો ભરોસો કરો, ભલે હું ટીમમાં સૌથી ઉંમરલાયક હોવ પરંતુ મારી ફિટનેસની તુલના 25 વર્ષના કોઈ પણ ખેલાડી સાથે કરી શકો છો એટલા માટે મને લાગે છે કે હજુ પણ હું આ રમતનો આનંદ ઉઠાવી શકું છું અને મારી અંદર ક્રિકેટની ભૂખ છે. હું ક્રિકેટ રમતો રહેવાનો છું એટા માટે હજુ મેં નિવૃત્તિનો વિચાર નથી કર્યો.
જો મને તક મળશે તો હું મારી શ્રેષ્ઠ પ્રદર્શન આપીશ. ઉલ્લેખનીય છે કે શોયેબ મલિક વર્ષ 2021થી પાકિસ્તાન ટીમથી બહાર ચાલી રહ્યો છે. તેણે છેલ્લો મુકાબલો બાંગ્લાદેશ વિરુદ્ધ રમ્યો હતો. આ પછીથી તેને ટીમમાં પૂરતી તક મળી નથી. શોએબ ઘણી બધી ટી-20 લીગ રમે છે જેમાં તેને સફળતા પણ મળી રહી છે. આવામાં તેને લાગી રહ્યું છે કે તે ટી-20 ટીમમાં વાપસી કરી શકે છે.