ગાંધીનગર તા.31
સુરત દુષ્કર્મ કેસમાં આશારામને આજે ગાંધીનગર જિલ્લા અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારી છે. 2001માં આશારામના આશ્રમમાં સુરતની બે યુવતીઓનું શારીરિક શોષણ થયું હતું અને તે સમયે વિશાળ અનુયાયી વર્ગ ધરાવતા આશારામે આ બંને યુવતીઓને તેમની સંસ્થામાં વકતા બનાવવા તેમજ ખ્યાતનામ બનાવવાની લાલચ આપીને તેમની પર વારંવાર દુષ્કર્મ કર્યુ હતું.
2001માં બનેલી આ ઘટનામાં છેક 2013માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોધપુરમાં આ જ પ્રકારના એક કેસમાં આશારામ સામે ફરિયાદ થતા સુરતની યુવતીઓએ પણ ફરિયાદ કરવાની હિંમત કરી હતી અને તેમાં આજે આશારામને આજીવન કારાવાસની સજા તથા રૂા.10 લાખનો દંડ ફટકારાયો છે.
જેમાં રૂા.50 હજાર ભોગ બનેલી યુવતીઓને આપવામાં આવશે. આશારામ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 376, 377, 359 તથા 506/2 સહિત હેઠળ કેસ સાબીત માનવામાં આવ્યો હતો. આશારામ હાલ જોધપુરની જેલમાં છે અને તેઓને વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં હાજર રખાયા હતા.