♦ ફિલ્મને ધર્મ-જાતિના નજરે ન જૂઓ: ફિલ્મમાં દિપિકા અમર છે, હું અકબર છું, જહોન એન્થોની છે: શાહરૂખ
મુંબઈ: મહામારીના કારણે ચાર વર્ષનાં અંતરાલ બાદ અને બાયકોટનો સામનો કરીને શાહરૂખખાને ફિલ્મ ‘પઠાન’થી સફળતાનો સ્વાદ ઘણા લાંબા ગાળે ચાખ્યો છે.પાંચ દિવસમાં જ ફિલ્મે વર્લ્ડ વાઈડ 500 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની સફળતા બાદ ફિલ્મની પૂરી કાસ્ટ મીડિયા સામે રજુ થઈ હતી. જેમાં શાહરૂખખાન, દિપીકા પાદુકોણ, જહોન અબ્રાહમ, ડાયરેકટર સિદ્ધાર્થ આનંદ પણ હાજર હતા.
પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખે જણાવ્યું હતુંકે આ મારા પરિવાર માટે સૌથી મોટો દિવસ છે. કારણ કે છેલ્લા કેટલાંક વર્ષોથી અમે આટલી ખુશી કયારેય નથી જોઈ. ખરૂ કહું તો આ ચાર દિવસમાં હું મારા ચાર વર્ષ ભૂલી ગયો હતો.
શાહરૂખે જણાવ્યું હતું કે હું કયારેય ફિલ્મ પુરી કરવાની ઉતાવળમા નથી હોતો, કારણ કે એક ફિલ્મ બનાવવામાં ખૂબ જ મહેનત અને પૈસા લાગતા હોય છે. જો મારી કોઈ મોટી ફિલ્મ નથી ચાલતી તો જે માણસ સૌથી દુ:ખી હોય છે. તે હું જ હોઉં છું. કારણ કે એ ફિલ્મની સાથે ખૂબ જ મોટી ટીમ હોય છે.
ફિલ્મ હીટ હોય કે ફલોપ પણ અમારે તો સોમવારથી સેટ પર કઠોર મહેનત કરવી પડતી હોય છે. આ તકે જહોન અબ્રાહમે જણાવ્યું હતું કે શાહરૂખખાન એક એકટર નહિં ઈમોશન્સ છે. દિપિકા પાદુકોણે જણાવ્યું હતું કે શાહરૂખ માટે મારા મનમાં એક આર્ટીસ્ટ તરીકે ખૂબ જ સન્માન છે.
પરંતુ એથી વધુ તેની માણસાઈની કદર કરૂ છું. શાહરૂખખાન ન હોત તો હું અહીં ન હોત. ફિલ્મનાં વિવાદને લઈને શાહરૂખે જણાવ્યું હતું કે ફીલ્મને ધર્મ અને જાતિના દ્રષ્ટિકોણથી ન જુઓ, માત્ર મનોરંજનની દ્રષ્ટિએ જ જુઓ.ફિલ્મમાં દિપિકા અમર છે. હું અકબર છું અને જહોન એન્થોની છે.