નવીદિલ્હી, તા.1
ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે મેદાન પર કોઈ આઈસીસી ટૂર્નામેન્ટ રમવા ઉતરે છે તો સૌથી પહેલાં ચાહકોની નજર પાકિસ્તાન વિરુદ્ધ રમાનારા મુકાબલા પર જાય છે. આ મહિનાથી આફ્રિકામાં મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં છે અને તેના વચ્ચે પહેલી ટક્કર રોમાંચક થવાની શક્યતા છે.
આઈસીસીની વધુ એક મોટી ટૂર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય અન્ડર-19 ટી-20 વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરી છે. હવે ભારત સળંગ બીજા વર્લ્ડકપ ખીતાબને હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી દેશે.
સાઉથ આફ્રિકામાં 10થી 26 ફેબ્રુઆરી વચ્ચે મહિલા ટી-20 વિશ્વકપની આઠમી એડિશનનું આયોજન થવાનું છે. 10 ટીમો તેમાં ભાગ લેશે અને 17 દિવસમાં કુલ 23 મુકાબલા રમાશે. આ તમામ મુકાબલાઓ વચ્ચે સૌની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે.
મહિલા ટી-20 વર્લ્ડકપમાં ઉતરી રહેલી તમામ 10 ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મેજબાન સાઉથ આફ્રિકાને ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ-બીમાં ભારતની ટીમને પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વિન્ડિઝ સાથે જગ્યા આપવામાં આવી છે.
ભારતીય ટીમ પોતાના ટી-20 વિમેન્સ વિશ્વકપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલાથી કરવાની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આ મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. જો બન્ને ટીમો આ ગ્રુપમાંથી નોકઆઉટમાં પહોંચે છે તો પછી ફાઈનલમાં તેમના વચ્ચે મુકાબલો થઈ શકે છે. વિશ્વકપનો ફાઈનલ 26 ફેબ્રુઆરીએ રમાશે.