શ્રેણી પહેલાં જ ખળભળ્યું ઑસ્ટ્રેલિયા: ભારત પર લગાવ્યો ‘વિશ્વાસઘાત’નો આરોપ !

01 February 2023 10:28 AM
India Sports World
  • શ્રેણી પહેલાં જ ખળભળ્યું ઑસ્ટ્રેલિયા: ભારત પર લગાવ્યો ‘વિશ્વાસઘાત’નો આરોપ !

પીચને લઈને નિવેદનયુદ્ધ: અમે જેવી પીચ માંગી છે તેવી નહીં જ મળે તેની પૂરી ખાતરી: ખેલાડીઓની ‘માઈન્ડગેમ’ શરૂ

નવીદિલ્હી, તા.1
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ 9 ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે તે પહેલાં જ બન્ને ટીમો વચ્ચે નિવેદનયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઈયાન હિલીએ કહ્યું કે ભારતે વિશ્વાસઘાત કર્યા છે. તેણે કહ્યું કે અમને આશા નથી કે શ્રેણી પહેલાં ભારતમાં પ્રેક્ટિસ માટે એવી વિકેટ આપવામાં આવશે જે મેચ દરમિયાન હશે.

પૂર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકિપરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તેના બેટર ઉસ્માન ખ્વાજાએ તાજેતરમાં જ ભારત પ્રવાસને લઈને નિવેદન આપ્યું હતું. ઉસ્માન ખ્વાજાને પૂછવામાં આવ્યું હતું કે ઑસ્ટ્રેલિયન ટીમ ભારત વિરુદ્ધ શ્રેણી પહેલાં કોઈ પ્રેક્ટિસ મેચ શા માટે રમી રહી નથી ? જેનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે આ મેચોનો કોઈ જ ફાયદો થવાનો નથી કેમ કે મેચ પીચ અને પ્રેક્ટિસ પીચમાં ઘણું અંતર જોવા મળી રહ્યું હોવાથી પ્રેક્ટિસ મેચનો ફાયદો શું ?

ઈયાન હિલીએ આ નિવેદનનું સમર્થન કરતાં કહ્યું કે અમને સિડનીમાં સ્પીન ટ્રેક તૈયાર કરી છે જેથી ભારત પ્રવાસની પૂરતી તૈયારી કરી શકાય. અમને વિશ્વાસ નથી કે જેવી પ્રેક્ટિસ પીચ અમે માંગી છે તેવી જ પીચ અમને મળી શકશે. તેણે કહ્યું કે અમે તેનું બિલકુલ સમર્થન નથી કરી રહ્યા કે શ્રેણી અને પ્રેક્ટિસ પીચ પર અલગ પ્રકારની પીચ તૈયાર કરવામાં આવશે. બે ક્રિકેટ દેશો વચ્ચે આ પ્રકારનો અવિશ્વાસ ઉભો થવો અત્યંત ચિંતાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે, ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ચાર મેચની રમાનારી અંતિમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હશે. ટીમ ઈન્ડિયાને તેના જ ઘરમાં હરાવવી ઘણી મુશ્કેલ હોય છે એટલા માટે જ ઑસ્ટ્રેલિયા 2004-05થી અત્યાર સુધી કોઈ પણ ટેસ્ટ શ્રેણી ભારતમાં જીતી શક્યું નથી.

ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ

મેચ  તારીખ  સ્થળ
પહેલી ટેસ્ટ  9થી 13 ફેબ્રુઆરી  નાગપુર
બીજી ટેસ્ટ  17થી 21 ફેબ્રુઆરી  દિલ્હી
ત્રીજી ટેસ્ટ  1થી 5 માર્ચ  ધર્મશાલા
ચોથી ટેસ્ટ  9થી 13 માર્ચ  અમદાવાદ

Related News

Advertisement
Advertisement
Advertisement