ન્યુ દિલ્હી : ભાજપના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ બીબીસી પર ચીનની કંપની પાસેથી પૈસા લઈને ભારત વિરોધી ડોક્યુમેન્ટ્રી બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું- ચીનની કંપની Huawei એ BBC ને મોદીની છબી ખરાબ કરવા માટે પૈસા આપ્યા છે. હવે બીબીસી ચીની એજન્ડાને આગળ વધારી રહ્યું છે.-
મહેશ જેઠમલાણી દિવંગત એડવોકેટ રામ જેઠમલાણીના પુત્ર છે. તેણે ટવીટ કરીને કહ્યું- BBC આટલું ભારત વિરોધી કેમ છે? BBC ભારત વિરૂદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે. 2021માં BBC દ્વારા જમ્મુ-કાશ્મીર વગરનો ભારતનો નકશો બહાર પાડવામાં આવ્યો હતો. બાદમાં તેણે ભારત સરકારની માફી માંગી અને નકશામાં સુધારો કર્યો.
બીબીસીએ 17મી જાન્યુઆરીએ યુટ્યુબ પર ગુજરાત રમખાણોની ડોક્યુમેન્ટ્રી ધ મોદી ક્વેશ્ચનનો પ્રથમ એપિસોડ રજૂ કર્યો હતો. તેમાં ગુજરાતમાં 2002ના રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી મોદીની ભૂમિકાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો હતો. આ પહેલા પણ કેન્દ્ર સરકારે યુટ્યુબ પરથી પહેલો એપિસોડ હટાવી દીધો હતો.
ભારત સરકારે આ ડોક્યુમેન્ટ્રીને વડાપ્રધાન મોદી અને દેશ વિરૂદ્ધનો પ્રચાર ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે નથી જાણતા કે ડોક્યુમેન્ટ્રી પાછળનો એજન્ડા શું છે, પરંતુ તે વાજબી નથી. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પ્રચાર છે.