રાજકોટ તા.1 : કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં બજેટ પેશ કરવામાં આવ્યું તે પુર્વે શેરબજારમાં જબરો આશાવાદ હોય તેમ 500 પોઈન્ટથી વધુના ઉછાળાથી સેન્સેકસ 60000ને પાર થઈ ગયો હતો. આગામી વર્ષે સામાન્ય ચૂંટણી પુર્વે અંતિમ પૂર્ણ બજેટ હોવાથી લોકપ્રિય રાજકીય અસરકર્તા જોગવાઈઓ રહેવાની ગણતરી છતાં વિકાસ તથા ઉદારીકરણના પગલાઓમાં અવરોધ નહીં આવે તેવો આશાવાદ વ્યક્ત થતો હતો અને તેના પ્રભાવ હેઠળ પોઝીટીવ આશાવાદ હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 366 પોઈન્ટના ઉછાળાથી 59916 સાંપડયો હતો તે ઉંચામાં 60066 તથા નીચામાં 59807 હતો. નિફટી 104 પોઈન્ટના ઉછાળાથી 17766 હતો તે ઉંચામાં 17815 તથા નીચામાં 17735 હતો. શેરબજારમાં પ્રારંભીક કામકાજમાં ડીવીઝ લેબ, આઈસીઆઈસીઆઈ બેંક, બ્રિટાનીયા, હિન્દાલ્કો, એચડીએફસી, કોટક બેંક, નેસલે, પાવરગ્રીડ, રીલાયન્સ જેવા શેરોમાં સુધારો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર જેવા ગ્રુપ શેરો ફરી તૂટયા હતા. સનફાર્મા, ભારત પેટ્રો ડાઉન હતા.