(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : મોરબીમાં ત્રણ મહિના પહેલા જૂલતાપુલની દુર્ઘટના બની હતી જેમાં 135 જેટલા લોકોના મોત નિપજયા હતા અને તે તમામના મોત માટે જેને મુખ્ય જવાબદાર વ્યક્તિ ગણવામાં આવી રહ્યા છે તે ઓરેવાના જયસુખભાઇ પટેલ ગઇકાલે મોરબીની ચીફ જ્યુડિશ્યલ કોર્ટમાં હાજર થયા હતા ત્યાર બાદ તેને કોર્ટમાંથી મોરબીની સબ જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તપાસનીશ અધિકારી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેથી કોર્ટના હુકમ બાદ તપાસનીશ અધિકારીએ મોરબીની જેલમાંથી જયસુખભાઇ પટેલનો કબજો મેળવ્યો હતો અને થોડા દિવસો પહેલા કોર્ટમાં મૂકવામાં આવેલ ચાર્જસીટમાં જેને ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા તે જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ગઇકાલની રાત જયસુખભાઇ પટેલે પોલીસ કસ્ટડીમાં વિતાવી હતી અને આજે આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા તેના રિમાન્ડ લેવા માટે ફરી જયસુખભાઇ પટેલને 14 દિવસની રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મોરબી પાલિકા દ્વારા ગત માર્ચ 2022 માં કરાર કરીને આ ઝુલતો પુલ મોરબીના ઓરેવા ગ્રુપને સંચાલન માટે સંપૂર્ણ જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો હતો જે પુલ તા.30-10-2022 ના રોજ તૂટી પડ્યો હતો જેથી કરીને 135 જેટલા લોકોના જીવ ગયા હતા અને તેની તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ કેસનો જે ચાર્જશીટમાંઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી દર્શાવવામાં આવ્યા હતા અને અગાઉ પકડાયેલા નવ આરોપીઓના નામ ચાર્જશીટમાં હતા જેથી તેને ચાર્જશીટની કોપી પણ આપી દેવામાં આવી છે આજે પહેલી તારીખે મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના આગોતરા જામીન માટેની અરજીની સુનાવણી થવાની હતી તે પહેલા ગઇકાલે જયસુખભાઇ પટેલ મોરબીની ચીફ જ્યુડિશ્યલ કોર્ટમાં જજની સામે રજૂ થયા હતા અને આ ગુનામાં સરેન્ડર કર્યું હતું જેથી કોર્ટે તેની તપાસનીશ અધિકારીને જાણ કરી હતી અને જયસુખભાઇ પટેલને જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા જુલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત નિપજ્યા હતા
અને ત્યારબાદ પુલનું મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં ગઇકાલ તા 31 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં જયસુખભાઈ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું અને જેથી કરીને સંભવત આગોતરા જમીન માટે જે અરજી કરવામાં આવી છે તેને વિડ્રો કરવામાં આવશે અને ગઇકાલે જજના હુકમથી જયસુખભાઈ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની સબજેલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા કોર્ટમાં આરોપીની તપાસના કામે પૂછપરછ કરવાની જરૂર હોવાથી તેનો કબજો લેવા માટે અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ધ્યાને લઈને આરોપીનો કબજો આપવા માટે હુકમ કરી દીધો હતો. ગઇકાલે સાંજે જ મોરબીની જેલમાંથી આરોપી જયસુખભાઇ પટેલનો કબ્જો પોલીસે મેળવી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જો કે, આજે તપાસનીશ અધિકારી દ્વારા તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ કરવામાં આવશે.
પરિવારના સભ્યો ગુમાવનારા લોકોની જયસુખ પટેલને ફાંસીની માંગ: છાજીયાં લીધા
મોરબીના લોકોને હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ઝૂલતો પુલ હતો જે તા.30-10-22 ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે અને તૂટી પડવાના લીધે હવે મોરબીવાસીઓ માટે કાયમી ધોરણે બંધ થઈ ગયો છે આ ઘટનામાં પરિવારના સભ્યોને ગુમાવનરા લોકો ગઇકાલે કોર્ટ પરિસરમાં આવ્યા હતા અને જયસુખ પટેલ હાય હાય સહિતના સૂત્રોચાર કર્યા હતા. જયસુખ પટેલને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી ગઇકાલે મોરબીની પોલીસ કોર્ટમાંથી જયસુખ પટેલને જેલમાં મૂકવા માટે જઇ રહી હતી ત્યારે કોર્ટના પટાંગણમાં જે લોકોએ તેના પરિવારના સભ્યોને આ ઘટનામાં ગુમાવ્યા હતા તે લોકો દ્વારા દેકારો કરવામાં આવ્યો હતો અને જયસુખ પટેલના નામના છાજીયાં પણ લીધા હતો.