અમદાવાદ તા.1
સોનાના ભાવમાં કેટલાંક વખતથી વિક્રમી તેજીને પગલે જુના સોનાના વ્યવહારોમાં મોટો વધારો થયો છે. રિલાયક્લ્ડ ગોલ્ડના વ્યવહારમાં 53 ટકાનો વધારો થયો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં રીપોર્ટમાં જાહેર થયુ છે.
ભારતમાં ઓકટોબરથી ડીસેમ્બરનાં ત્રણ માસ દરમ્યાન 30.5 ટન સોનું રીસાયકલ્ડ થયૂં હતું જે માત્ર ગત વર્ષના સમાન ગાળામાં 20.3 ટનની હતી. સોનાની મોટી ખરીદી-વેપાર ધરાવતા ગુજરાતમાં સૌથી વધુ સોનુ રીસાયકલ્ડ થાય છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અંદાજ પ્રમાણે 2022 ના આખા વર્ષ દરમ્યાન 97.6 ટન સોનાનું રીસાયકલીંગ થયુ હતું.
ઝવેરી ઉદ્યોગનાં કથન મુજબ ગુજરાતમાં 20 ટકા સોનું રીસાયકલ્ડ થાય છે. તે ગણતરીએ ગુજરાતમાં 20 ટન સોનાનું રીસાયકલીંગ થયુ હોવાનો અંદાજ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં ભારતના પ્રાદેશીક સીઈઓ સોમ સુંદરમ પીઆરએ કહ્યું કે 2022 ના ચોથા ત્રિમાસીક ગાળામાં ભારતમાં ગોલ્ડ રિસાયકલીંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રૂપિયા આધારીત સોનાના ભાવમાં આ ગાળા દરમ્યાન ત્રણ ટકાની વૃધ્ધિ થઈ હોવાથી રીસાયકલીંગ વધ્યું છે.રીઝર્વ બેન્ક દ્વારા સોનાની ખરીદી ચાલુ જ રાખવામાં આવી હતી. 2022 માં 33.5 ટનની ખરીદી કરી હતી જોકે, 2021 મા 77.5 ટનની ખરીદી સાથે 57 ટકા ઓછી હતી.
ગુજરાતનાં જવેલર્સોનાં કહેવા પ્રમાણે સોનાના 50 ટકા વ્યવહારો જુનુ સોનું આપીને નવા દાગીના લેવાના ધોરણે થઈ રહ્યા છે.ઓકટોબર મહિનાથી સોનાની ખરીદીમાં ચળકાટ છે. ધનતેરસ દિવાળીની મુર્હુતની ખરીદી તથા ત્યારબાદ ચિકકાર લગ્નગાળાને કારણે ખરીદીમાં મોટો વધારો થયો હતો.
જોકે ત્રણ ચાર મહિના દરમ્યાન ભાવમાં મોટો વધારો થવાના કારણે ગ્રાહકોને બજેટ વેરવિખેર થયા હતા.પરીણામે જુનુ સોનું પરત આપીને નવુ ખરીદવાના ચલણમાં વૃધ્ધિ માલુમ પડી હતી. લગ્નગાળાની ખરીદીમાં લોકો-ગ્રાહકોનું બજેટ નકકી હોય છે. એક વર્ગ બજેટની ગણતરી કરીને ખરીદીમાં કાપ મુકે છે. જયારે બીજો વર્ગ જુનુ સોનું પરત કરીને નિર્ધારીત ખરીદી કરે છે. લગ્ન પ્રસંગની ખરીદી માટે લોકો ભુતકાળમાં ખરીદેલા સોનાના બિલ બિસ્કીટ-સિકકા પણ વેચતા હોય છે.