વહીવટ બંધ કરી લોકોના કામ કરો: મોરબી પાલિકાના શાસકોને ધારાસભ્યનો ઠપકો

01 February 2023 12:05 PM
Morbi
  • વહીવટ બંધ કરી લોકોના કામ કરો: મોરબી પાલિકાના શાસકોને ધારાસભ્યનો ઠપકો

જુની સ્ટ્રીટલાઇટ ક્યાં? અધિકારીએ કહ્યું "મારી પાસે લાઇટસ જમા થઇ નથી" : પદાધિકારી, સભ્યો, અધિકારીઓ સાથે ખુલ્લી ચર્ચા કરતા કાંતિભાઇ અમૃતિયા: લાઇટ, રસ્તા, પાણીની ફરિયાદો દૂર કેમ થતી નથી? આવક વધારવા પ્રયાસ કરો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.1 : મોરબી નગરપાલિકામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં પદાધિકારીઓ, સભ્યો અને અધિકારીઓની મીટીંગ રાખવામાં આવી હતી તેમાં ખાસ કરીને મોરબી પાલિકાના છેલ્લા બે વર્ષોના કામકાજના લેખા જોખા અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો પાસેથી ધારાસભ્ય દ્વારા મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સભ્યોને બધા જ વહીવટ બંધ કરીને લોકોના કામમાં ધ્યાન આપવા માટેની ટકોર કરી હતી અને આગામી સમયમાં મોરબી પાલિકામાં આવક વધે તેના માટે વેરા ઉપર વ્યાજ માફીની સ્કીમ અમલમાં મુકવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી નગરપાલિકાની છેલ્લી ચૂંટણી બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ પાલિકામાં સત્તાના કેન્દ્ર સ્થાન ઉપર છે તેમ છતાં પણ મોરબીના લોકોની પ્રાથમિક સુવિધાઓમાં કોઈ સુધારો વધારો ન થયો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને લોકોને લાઈટ, પાણી, રોડ, રસ્તા સહિતની ફરિયાદો કરવી પડે ત્યારબાદ લોકોના કામ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં નગરપાલિકાના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન.કે. મુછાર, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના જુદી જુદી કમિટીના ચેરમેનો અને ચૂંટાયેલા સભ્યો તેમજ જુદા જુદા વિભાગના અધિકારી, પદાધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

છેલ્લા બે વર્ષની અંદર મોરબી શહેરીમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને જે કામગીરી કરવામાં આવી છે તેની તેનો હિસાબ કાંતિભાઈ અમૃતિયા દ્વારા ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારી અને કર્મચારી પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ત્યારે તેઓએ ટૂંકમાં ઘણું કહેતા એક જ ટકોર કરી હતી કે બધાએ વહીવટ બંધ કરી દેવાના છે અને લોકોના સુખાકારીના કામમાં ધ્યાન આપવાનું છે આટલું જ નહીં પરંતુ ખોટા બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરવા માટે પણ કાંતિભાઈ અમૃતિયા દ્વારા ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓને અને અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી તેની સાથોસાથ મોરબી નગરપાલિકામાં સ્વભંડોળ તળિયે પહોંચી ગયું છે જેથી કરીને મોરબી નગરપાલિકાની આવક વધારવા માટે થઈને શું કરી શકાય તેના માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને હાલમાં માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે લોકોને વ્યાજ માફીની સ્કીમ આપવામાં આવે તો લોકો વ્યાજ માફીનો લાભ લેવા માટે થઈને મિલકત વેરા પાલિકાની તિજોરીમાં જમા કરાવે તો પાલિકાની આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ છે

તેમજ જુના મોરબીમાં ગટરને સિરામિકથી મઢવા માટેની કામગીરી કરવામાં આવે, મોરબી શહેરને સારી રીતે સાફ રાખવામાં આવે અને જેટલી પણ લાઈટો બંધ હોય તેને ચાલુ કરવામાં આવે તેવું પણ કાંતિભાઈએ કહ્યું હતું. આ તકે રોશની વિભાગના અધિકારી કર્મચારી પાસેથી છેલ્લે જે કરોડો રૂપિયાના ખર્ચે લાઈટની ખરીદી કરવામાં આવેલ છે તેનો હિસાબ માગવામાં આવ્યો હતો ત્યારે નવી લાઈટો ફીટ કરવામાં આવી પરંતુ જૂની લાઈટો જે કાઢવામાં આવી તે ક્યાં ગઈ એવો સવાલ ધારાસભ્યએ કર્યો હતો ત્યારે અધિકારીએ એવું જણાવ્યું હતું કે મારી પાસે જૂની લાઈટો જમા કરાવવામાં આવી નથી ! અને નવી લાઈટો જે આવી હતી તે વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને ચેરમેનો લઈ ગયા હતા જેથી જૂની લાઈટોનો હિસાબ મળશે કે કેમ તે પણ એક સૌથી મોટો પ્રશ્ર્ન છે.


Advertisement
Advertisement
Advertisement