► આજે સવારે નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા : સ્વ.મહિપતસિંહ જાડેજાના પાર્થિવદેહની અંતિમવિધિ : રીબડા શોકમય
ગોંડલ, તા. 1 : રાજયના ક્ષત્રિય સમાજના પીઠ અગ્રણી તથા માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ.87)નું આજે સવારે રીબડા ખાતે નિધન થતાં સમસ્ત ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઇને આવ્યા હતા. તેઓ ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.
મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્યના સમય દરમ્યાન સૌરાષ્ટ્રના ખેડુતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજે રીબડામાં તેમના નિવાસ સ્થાનેથી સવારે 9.30 કલાકે અંતિમયાત્રા નીકળી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામના તથા આજુબાજુના ગામોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા અને સ્મશાનગૃહે સ્વ. મહિપતસિંહ જાડેજાની અંતિમવિધિ કરાઇ હતી અને તેમનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો એ સમયે હાજર રહેલા સૌની આંખો ભીની થઇ ગઇ હતી.
થોડા સમય પૂર્વે મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત કથા યોજવામાં આવેલ અને કથાના દિવસો દરમ્યાન ધુમાડાબંધ ગામ જમાડવામાં આવેલ. મહિપતસિંહ જાડેજાએ થોડા વર્ષો પૂર્વે ‘જીવતું જગતીયું’ કરેલ હતું. તેમના સંતાનોમાં ભગીરથસિંહ, રામદેવસિંહ, રાજેન્દ્રસિંહ, અનિરૂધ્ધસિંહ તથા જગતસિંહ તથા પુત્રી મનસાબા છે. જાણવા મળતી વિગતો અનુસાર મહિપતસિંહજી જાડેજાને થોડા દિવસો પહેલા રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. તબીયત સ્વસ્થ થતા રીબડા પાછા આવી ગયા હતા.