જસદણના શ્રી હરિનગરના રહેણાંક વિસ્તારની ઘટના : ફઈના પુત્રોના લગ્નમાં ગયેલા ડિસ કનેક્શનના ધંધાર્થીના ઘરમાં તસ્કરોનો હાથફેરો: 5.80 લાખની માલમત્તાની ચોરી

01 February 2023 12:23 PM
Jasdan Crime
  • જસદણના શ્રી હરિનગરના રહેણાંક વિસ્તારની ઘટના : ફઈના પુત્રોના લગ્નમાં ગયેલા ડિસ કનેક્શનના ધંધાર્થીના ઘરમાં તસ્કરોનો હાથફેરો: 5.80 લાખની માલમત્તાની ચોરી

► તસ્કરો બે લગામ: ઘરનો માલસામાન વેરવિખેર કરી તિજોરીનો લોક તોડી રોકડા રૂ.બે લાખ અને સોના ચાંદીના દાગીના સહિતના મુદામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા

રાજકોટ,તા.1 : તસ્કરો બેલગામ થયાં હોય તેમ જસદણના શ્રી હરિનગરના રહેણાંક વિસ્તારમાં ફઈના પુત્રોના લગ્નમાં ગયેલા ડિસ કનેક્શનના ધંધાર્થીના ઘરમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડા રૂ. બે લાખ અને સોના ચાંદીના દાગીના મળી રૂ.5.80 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ફરિયાદ નોંધાતા ગોંડલ ડીવાયએસપી કે.બી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ફરિયાદી નરેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ મેર (ઉ.વ.47), (ધંધો. કેબલ કનેકશન),(રહે.શ્રી હરી નગર ગીતાનગર પાછળ ખાનપર રોડ શકતી મોલ વાળી શેરી, જસદણ) એ જણાવ્યું હતું કે, તે શીવાય કેબલ નામે કેબલ કનેકશન નામે ધંધો કરે છે અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે.ગત તા.25 ના તેના ફઈના પુત્રોના લગ્ન હોય જેથી પરિવાર સાથે રાજકોટ નજીક આવેલ રાજગઢ ગામ ગયેલ હતાં જ્યાંથી રાત્રીના પરત ઘરે આવ્યા હતા અને બાદમાં બીજા દિવસે સવારે ઘરને લોક મારી રાજગઢ ગામે ગયેલ હતાં. ગત તા.28 ના તેના ફઈના પુત્રની જાન જસદણના બેડલા ગામે ગઈ હતી.

► ફરિયાદ નોંધાતા ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી

જ્યાંથી ફરિયાદીના પુત્ર દિપને અભ્યાસ માટે નડિયાદ જવાનું હોવાથી ઘરે જવા માટે નીકળેલ હતો. બાદમાં નરેન્દ્રભાઈને તેના પુત્રનો ફોન આવેલ કે, આપડા મકાનનું તાળું તૂટેલ છે અને ઘરનો માલસામાન વેરવિખેર પડેલ અને ચોરી થઈ થયેલ છે તેવી જાણ કરતાં તે તાત્કાલિક ઘરે પહોંચી તપાસ કરતાં મેઇન દરવાજાનો નકુચો તુટેલ હતો તથા રૂમમાં રહેલ તીજોરીનો લોક તુટેલ હતા અને તીજોરીની અંદર રહેલ લોકરનો લોક પણ તુટેલ હતો અને તેમાં તેના પિતાએ રાખેલા રોકડા રૂપીયા બે લાખ તથા તીજોરીમાં સોનાના દાગીના રાખેલા હતાં

જે જોવા મળેલ ન હતાં. જેમાં સોનાનો સેટ ચાર તોલાનો રૂ.1.20 લાખ તેમજ અન્ય સોનાની બુટી સહિતનો સેટ ત્રણ તોલા રૂ.90 હજાર તેમજ સોનાનો પેન્ડલ ,સોનાની બુટી, સોનાની વીંટી ચાર અને નાકના દાણા છ રૂ.1.20 લાખ તેમજ ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.5.80 લાખના મુદામાલની અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીએ ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપી કે.બી.ઝાલા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement