(નરેશ ચોહલીયા)
જસદણ, તા. 1
જસદણ નગરપાલિકાની સામાન્ય સભાનો ભાજપના શાસકપક્ષના ઉપપ્રમુખ સહિતના 13 અને વિરોધપક્ષ કોંગ્રેસના 4 સભ્યો મળી કુલ 17 સભ્યોએ ભ્રષ્ટાચારના વિરોધમાં બળાપો કાઢ્યો, શાસકપક્ષના 13 સભ્યોએ સામાન્ય સભાનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું, શાસકપક્ષના એક સભ્ય ગેરહાજર રહ્યા.
નવા બનેલા રોડ માત્ર ગણતરીના દિવસોમાં જ તૂટી જાય છે તેવા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો. શાસકપક્ષના 12 સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી, બાદમાં 4 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં પોતે સાથે ન હોવાનું લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું હતું.
જસદણ નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્ય સભા યોજાઈ હતી. આ સભા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ અને પ્રમુખ અનિતાબેન રૂપારેલીયાના અધ્યક્ષપદે યોજાઈ હતી. આ સામાન્ય સભામાં જસદણ નગરપાલિકાના 28 સભ્યો પૈકી ભાજપ અને કોંગ્રેસ પક્ષના કુલ 27 સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે વોર્ડ નં.1 ના શાસકપક્ષના મહિલા સભ્ય ગેરહાજર રહ્યા હતા.
આ સામાન્ય સભા દરમિયાન શાસકપક્ષ ભાજપના 13 સભ્યો અને વિરોધપક્ષ કોંગ્રેસના 4 સભ્યો મળી કુલ 17 સભ્યોએ નગરપાલિકાની સામાન્ય સભાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ શાસકપક્ષ ભાજપના 13 સભ્યોએ ચીફ ઓફિસરને લેખિતમાં વિરોધ નોંધાવી સામાન્ય સભાનો બહિષ્કાર કરી ચાલુ સભાએ વોકઆઉટ કરતા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું હતું.
આ સામાન્ય સભામાં જસદણ નગરપાલિકા પ્રમુખની તરફેણમાં 28 સભ્યો પૈકી ભાજપ-કોંગ્રેસના માત્ર 10 સભ્યો જ હાજર રહ્યા હતા. બાદમાં આ સામાન્ય સભા દરમિયાન નગરપાલિકા પ્રમુખે વિરોધપક્ષ કોંગ્રેસના 4 સભ્યોને સાથે રાખી બોર્ડને પૂર્ણ કર્યું હતું. આ સામાન્ય સભાના વિરોધ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા પોતાના શાસકપક્ષના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર અને સાથે રાખ્યા વગર જ પોતાની મરજી મુજબના કામો કરતા હોવાનું તેમજ જસદણ શહેરભરમાં બની રહેલા નવા રોડ માત્ર ગણતરીના દિવસોમાં જ તૂટી જતા હોવાથી ભ્રષ્ટાચારના વિરોધમાં નગરપાલિકા પ્રમુખ સામે બળાપો કાઢવા સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. સાથોસાથ જસદણ નગરપાલિકાના પ્રમુખ સામે શાસકપક્ષના 8 સભ્યોએ ચીફ ઓફિસરને અવિશ્વાસની દરખાસ્ત મુકતા આવનારા સમયમાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અમે કોંગ્રેસના 4 સભ્યો પણ એજન્ડા મુજબ અભ્યાસ કરતા અમે પણ લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો: હરેશભાઈ ધાધલ-વિરોધપક્ષના નેતાએ જણાવેલ કે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં 28 સભ્યોમાંથી 1 સભ્ય ગેરહાજર રહ્યા હતા. છતાંય ભાજપના 13 સભ્યોએ ચાલુ સભાએ હાજર રહીને લેખિતમાં બહિષ્કાર કરીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ અમે કોંગ્રેસના 4 સભ્યો અને બાકીના ભાજપના સભ્યોએ એજન્ડા મુજબ અભ્યાસ કરતા અમે પણ લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં અમે ચારેય સભ્યો અને ભાજપના સભ્યોએ હવે વિકાસના કામો થવાના છે તેમાં અમે સાથે રહી બોર્ડ પૂર્ણ કરાવેલું છે અને જેમાં અમને શંકા લાગી તેમાં અમે લેખિત વિરોધ કરેલ છે.
માધવીબેન વસાણી-વોર્ડ નં.6 ના ભાજપના કોર્પોરેટરે જણાવેલ કે અમે 13 સભ્યોએ સામાન્ય સભાનો આજે વિરોધ કર્યો છે. તેનુંકારણ એ હતું કે છેલ્લા 8 મહિનામાં પ્રમુખે એકપણ સામાન્ય સભાના એજન્ડા તૈયાર કર્યા ન હતા અને અમને એકપણ સભ્યને વિશ્વાસમાં લીધા ન હતા. આ સામાન્ય સભામાં પ્રમુખે એકપણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર જ એજન્ડા તૈયાર કરી નાખ્યા હતા જેનો અમે 13 સભ્યોએ વિરોધ કરેલ છે. ગમે ત્યારે પાલિકા પ્રમુખના પ્રતિનિધિ અલ્પેશભાઈના મોઢે એક જ શબ્દ હોય છે કે જિલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા મારા ફુવા થાય છે અને ચાલુ મીટીંગમાં પણ તેઓ ફુવા-ફુવા કરતા હોય છે અને મનસુખભાઈ રામાણી પણ મારા મામા થાય છે તેવું અવારનવાર કહેતા હોય છે. મતલબ તેઓ કોઈના ડર વગર કોઈપણ સભ્યોને સાથે રાખ્યા વગર એ નગરપાલિકા ચલાવતા હતા તેનો અમે વિરોધ નોંધાવેલ છે.
અશ્વિન વ્યાસ-ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જે સામાન્ય સભા રાબેતા મુજબ એજન્ડા નક્કી કર્યા પ્રમાણે મળેલ હતી અને પૂર્ણ થઈ હતી. અમુક સભ્યોએ અલગ-અલગ મુદ્દા વાઈઝ વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલે સભ્યોની જે અવિશ્વાસની દરખાસ્ત રજુ થઈ છે જે જરૂરી કાર્યવાહી માટે પ્રમુખના વંચાણે મુકેલ છે. આ બોર્ડે 8 મહિના બાદ સામાન્ય સભા બોલાવેલ છે તે બાબતે હું કઈ કહી શકું નહી. કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના મત વિસ્તારની પાલિકામાં આવી ઘટના બનતા રાજકીય ક્ષેત્રે હલચલ મચી છે.