(તસ્વીર: વિપુણ હિરાણી) ભાવનગર,તા.1 : દર વર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવાય છે. પ્રકૃતિ માટે વેટલેન્ડ્સનું શું મહત્વ છે તે અંગે ભાવનગરના જાણીતા તબીબ ડો. તેજસ દોશી એ જણાવ્યું હતું કે પ્રકૃતિ માટે વેટલેન્ડ્સનું મહત્વ કેટલું છે તે યાદ કરાવવા માટે દરવર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
વેટલેન્ડ્સ એટલે શું ?
જે ભૂમિ ભાગમાં કે વિસ્તારમાં કાયમી કે પછી અમુક સિઝન પુરતુ પાણી ભરાઈ રહેતું હોય તેને વેટલેન્ડ્સ કહેવાય છે. અહીં એક પ્રકારની ઈકો સિસ્ટમ વિકસિત થાય છે. પાણીમાં થતી વનસ્પતિઓ આવા વિસ્તારમાં ઉગે છે અને તેના કારણે ઘણાં યાયાવર પક્ષીઓ પણ આવા વિસ્તારમાં આવે છે. વેટલેન્ડ્સ બે પ્રકારના હોય છે. એક તો દરિયાકિનારાના વેટલેન્ડ્સ જેમાં ખારાપાણીના, મેનગ્રુવ્સના વૃક્ષોવાળા, લગુન્સ અને કોરલના વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. બીજા હોય છે ઈનલેન્ડ. જેમાં નાના તળાવ, અને સરોવરનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 831 વેટલેન્ડ્સ આવેલા છે. ગુજરાતની ત્રણ બાજુ દરિયાકિનારો મળ્યો હોવાથી અહીં 438 જેટલા દરિયાઈ વેટલેન્ડ્સ અને 393 જેટલા ઈનલેન્ડ વેટલેન્ડ્સ છે. નળ સરોવર સારી રીતે સચવાયેલુ વેટલેન્ડ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે અને તેમને જોવા પ્રવાસીઓ પણ અહીં વધારે આવે છે.