નવી દિલ્હી તા.1 : રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ત્રણેય સંતાનો આકાશ, ઈશા અને અનંતને જવાબદારીઓ સોંપી છે, નોએલ તાતાએ પણ પોતાના સંતાનો માયા, લિયા અને નેવિલેન મેડીકલ સેન્ટર બોર્ડમાં સામેલ કર્યા છે ત્યારે આ કડીમાં હવે બિરલા ગ્રુપે પણ પોતાની નવી પેઢીને જવાબદારી સોંપી છે.
બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગ્રુપના ફેશન એન્ડ રિટેલ બિઝનેસ આદીત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડમાં દીકરી અનન્યાશ્રી અને દીકરા આર્યમાનને બોર્ડ ઓફ ડાયરેકટરમાં નિયુક્ત કર્યો છે. બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં બન્ને ભાઈ-બહેન નોન એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે કામ કરશે.
અનન્યાશ્રીની બિઝનેસ વુમનની સાથે સાથે એક ગાયિકા તરીકે પણ ઓળખ છે. તેણે માત્ર 17 વર્ષની વયે એક માઈક્રો ફાયનાન્સ કંપની શરૂ કરી હતી. જે ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓને નાની નાની લોન આપે છે. જયારે 25 વર્ષીય આર્યમાન 2017-18માં રણજી ટીમનો ક્રિકેટર રહ્યો છે. ક્રિકેટ સિવાય બિઝનેસમાં તે સારો અનુભવ ધરાવે છે.