ગોંડલ,તા.1
શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર એવી અત્રેની બાલુભાઈ હરજીભાઈ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલુભાઈ હરજીભાઈ પટેલ વિદ્યાપીઠ નું લોકાર્પણ,બાલુ બાપાના સ્ટેચ્યુનું અનાવરણ, દાતાઓનું સન્માન, અને બાલુ બાપાના પુત્રના હસ્તે લીખીત "સંસ્કાર અને ચારિત્ર્યની વિદ્યાપીઠ-બાલુભાઈ" પુસ્તકનું વિમોચન ગાંધી નિર્વાણ દિન 30 બીલીયાળા ખાતે કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યાલય મુંજકાના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા તથા આ કાર્યક્રમમાં પાટીદાર સમાજની તમામ સંસ્થાઓના આગેવાનો તથા પાટીદાર રાજકીય આગેવાનો અને ગોંડલના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને દીપાવ્યો હતો.આ સંસ્થામાં અત્યાર સુધીમાં 3,500 દીકરાઓ અને 2500 જેટલી દીકરીઓનું જીવન ઘડતર કર્યું છે.
આ પ્રસંગે એકઠા થયેલા જ્ઞાતિના આગેવાનોએ આ સંસ્થામાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરેલી સાથે સાથે હાલ બાલુ બાપા ની સ્કૂલમાં ગૃહ માતા તરીકે ફરજ બજાવી 1700 દીકરીઓનું નિસ્વાર્થ ભાવે ઘડતર કરનાર મધુબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું. આ પવિત્ર પ્રસંગે પધારેલ તમામ મુખ્ય મહેમાનો વાલીઓ તથા જ્ઞાતિબંધુઓનો સંસ્થા વતી પ્રમુખ એલ આર પટેલ સાહેબ અને મંત્રી વલ્લભભાઈ કનેરિયા અને મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ પટેલ હર્ષની લાગણી અનુભવી આભાર વ્યક્ત કરેલ.