(ફોટો વિપુલ હિરાણી)
ભાવનગર તા.1
ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા કમિશ્નરની નિગરાનીમાં આજે મંગળવારે સવારે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તી ડ્રાઇવ કરી શહેરમાં પ્લાસ્ટિકના વેપારીઓને રૂ.26500 નો દંડ ફટકાર્યો હતો. જ્યારે ગંદકી ફેલાવનારા આસામીઓ પાસેથી રૂ.19500 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમ છતાં, ભાવનગર શહેરમાં અનેક વેપારીઓ તેનું વેચાણ કરી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં અવારનવાર પ્લાસ્ટિક જપ્તી ડ્રાઈવ યોજવામાં આવે છે.
ભાવનગર મહાનગરપાલિકાના મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે મંગળવારે શહેરના પિરછલ્લા વોર્ડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓ પાસેથી રૂ.5000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જ્યારે જાહેરમાં ગંદકી કરનારાઓ પાસેથી રૂ 5000 દંડ વસૂલ કર્યો હતો.
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વોર્ડમાં કુલ નવ આસામીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 16500 દંડ ફટકારાયો હતો.જેમાં અમરલાલ બેકરી અને રેડ સ્કવરને રૂ.પાંચ - પાંચ હજારનો દંડ ફટકારાયો હતો. ડસ્ટબીન નહિ રાખીને જાહેરમાં ગંદકી કરનારાઓ પાસેથી 9500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
શહેર ના ઉત્તર સરદારનગર વોર્ડમાંથી પ્રતિબંધ પ્લાસ્ટિક ના આસામીઓ પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા 5000 તેમજ ગંદકી કરનારાઓ પાસેથી 5000 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.